લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાનની બૂટ લાલ લાલ થઈ ગયેલી. અત્યારે પણ ભાભીનું એ વાક્ય યાદ આવતાં નરોત્તમ ગાડીમાં બેઠો બેઠો જાણે કે મુગ્ધાની જેમ શરમ, સંકોચ, ક્ષોભ અને એ સહુને પરિણામે કોઈક વિચિત્ર પ્રકારનો આહ્‌લાદ પણ અનુભવી રહ્યો હતો.

આવા વિચિત્ર રીતે નિશ્ચિત ભાવો અનુભવવાનું કારણ એ હતું કે અમરગઢ સ્ટેશને ઊતરનાર મહેમાનો અંગે નરોત્તમ કલ્પનાના ઘોડા દોડાવી રહ્યો હતો.

‘કાકા, ઓલ્યું ઝાડ ઉપર બેઠું છે એને શું કહેવાય ?’

વિચારોના સુમધુર સંક્રમણમાં આ અણસમજુ કિશોર ખલેલ કર્યા કરતો હતો, પણ નરોત્તમ અત્યારે કલ્પનાના કેફમાં આવી ખલેલોને ગણકારતો નહોતો.

પણ બટુક આજે કાકાના કલ્પનાવિહારમાં સતત વિઘ્નો નાખવાનો નિર્ધાર કરીને જ બેઠો હતો. મૌખિક પ્રશ્નના ઉત્તરો ન મળતાં એણે આખરે કાકાને બે હાથ વડે હલબલાવી હુકમ કર્યો:

‘કાકા, મારી આ પી-પી ખોટકાઈ ગઈ, વાગતી નથી. સમી કરી આપો ને !’

કલ્પનાના ઉડ્ડયનમાંથી ધરતી પર ઊતર્યા વિના નરોત્તમને છૂટકો જ નહોતો. બટુકનો બંધ પડી ગયેલો પાવો ફરી વાગતો કરવા માટે એમાં ફૂંક મારીને કચરો સાફ કરતાં કરતાં નરોત્તમની નજર દૂર દૂર દેખાતા રેલવે સિગ્નલ ઉપર ગઈ અને એ એકદમ બોલી ઊઠ્યો:

‘વશરામ, વશરામ, પણે જો, હાથલો પડી ગયો છે. ગાડી આવતી લાગે છે. દબાવ જરા, દબાવ !’

વશરામે ઘોડાને એક વધારે સોટી લગાવી. પાણીપંથો ઘોડો તો આમેય પૂરપાટ જતો જ હતો પણ હવે એનો વેગ અદકો વધ્યો.

અને છતાં નરોત્તમને લાગતું હતું કે ગાડી આજ સાવ ધીમી ચાલે છે.

૧૮
વેળા વેળાની છાંયડી