લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપી શક્યો નહીં. લાડકોર આ મૌનને જ અનુમતિ ગણીને ઊભી થઈ અને પટારો ઉઘાડ્યો.

⁠લાડકોરે પટારામાં થોડી વાર આમથી તેમ હાથફેરો કરીને આખરે કહ્યું: ‘પોટકું તો કોઈએ છોડી નાખ્યું લાગે છે !’

⁠‘મેં જ છોડ્યું છે —’ ઓતમચંદે કહ્યું.

⁠‘હં… હવે સમજી !’ લાડકોર હસતી હસતી પાછી આવી. ‘મને છેતરવા સારુ તમે સંધુંય છોડી દીધું છે, કેમ ?’

⁠ઓતમચંદે મનમાં વિચાર્યું: હા, છેતરવા સારુ તો આ બધીય લીલા કરવી પડે છે.

⁠‘પોટકામાં શું શું હતું હવે કહી દિયો જોઈએ ઝટ !’

⁠‘કાંઈ નહોતું.’ ઓતમચંદે પહેલી જ વાર સાચી વાત કરી.

⁠‘કાંઈ નહોતું કેમ ભલા ? મેં મારે સગે હાથે પોટકું પટારામાં મેલ્યું’તું ને અટાણે તો ખાલી ફાળિયું જ પડ્યું છે.’

⁠‘એમાં ફક્ત રમકડાં ને ગોળપાપડીનું ભાતું જ ભર્યું’તું.’

⁠‘બીજું કાંઈ નો’તું ?’

⁠‘ના, બીજું કાંઈ કરતાં કાંઈ નો’તું.’

⁠થોડી વાર તો લાડકોર ગમ ખાઈ ગઈ. પણ એનો અસીમ આશાવાદ હજી આમ ઓસરી જાય એમ નહોતો. બોલી:

⁠‘હં… સમજી, સમજી ! જોખમ સંધુંય અંગરખીના ખિસ્સામાં ભરી આવ્યાં હશો. સાચું કે નહીં ?’

⁠‘ના, અંગરખીનાં ખિસ્સાં સંધાય ખાલી છે.’ ઓતમચંદે કહ્યું.

⁠‘મારા દકુભાઈએ કાંઈ આપ્યું જ નથી ?’ લાડકોરે અધ્ધર શ્વાસે પૂછ્યું.

⁠‘દકુભાઈએ તો ઘણુંય આપ્યું’તું બિચારે…’ ઓતમચંદે ફરી વાર અસત્યનો પ્રયોગ કર્યો.

⁠‘આપ્યું’તું તો ગયું ક્યાં ?’ લાડકોરે પૂછ્યું.

૧૯૦
વેળા વેળાની છાંયડી