લીલીકાચ ભરોડ્યું…’ ઓતમચંદે પીઠ ફેરવીને લાઠીપ્રહારનાં નિશાનો બતાવ્યાં.
મીઠા તેલના મોઢિયાના આછા ઉજાશમાં પણ પતિના બરડા પર આડી ને અવળી ઊપસી આવેલી ભરોડો ને લોહીના ઉઝરડા જોઈને લાડકોરના મોઢામાંથી સિસકારો નીકળી ગયોઃ
‘અરરર… મૂવા જમડાએ માર મારવામાં જરાય પાછું વાળીને જોયું લાગતું નથી… વાંસો આખો ઉતરડી નાખ્યો છે વાલા મૂવાએ ?’
‘ઢોરમાર ખાઈ ખાઈને હું તો ઢળી પડ્યો. ને એ જોરૂકો આદમી સંધુંય ખંખેરીને, મને હાથેપગે સાવ હળવો કરીને હાલતો થઈ ગયો…’
સાંભળીને લાડકોર સ્તબ્ધ બની ગઈ. પછી પતિનું સર્વસ્વ લૂંટી લેના૨ એ શત્રુને ઉદ્દેશીને ધીમે ધીમે શાપવચનો ઉચ્ચારવા લાગી:
‘રોયાનાં રઝળે અંતરિયાળ !… રાખહને રૂંવે રૂંવે રગતપિત નીકળે !… આપણા મોંમાંથી રોટલો ઝૂંટી લેનારનું જાય રે જડાબીટ !’
‘બિચારાને હવે ગાળભેળ દઈને ઠાલાં શું કામને પાપકરમ બાંધવાં ?’
‘ગાળભેળ ન દઉં તો શું એને ગોપીચંદન ચડાવું મૂવા મતીરાને ?… ઈ શૂળકઢાની સાતેય પેઢીનું સત્યાનાશ નીકળશે !’
‘દાણેદાણા ઉપર ખાનારાંનાં નામ લખ્યાં હોય છે. દકુભાઈએ દીધેલું એ આપણા નસીબનું નહીં હોય ને ઓલ્યા જાણભેદુના નસીબમાં માંડ્યું હશે, એટલે લઈ ગયો એમ સમજવું.’ પતિએ લાડકોરને આશ્વાસન આપ્યું.
પણ લાડકોરનો પરિતાપ આવાં પોપટવાક્યોથી શમે એમ નહોતો. એ તો હજી વસવસો કરતી જ રહી:
‘અરેરે… આ તો તમારે ફોગટ ફેરા જેવું થયું… ઓલ્યા બ્રાહ્મણની જેમ આપણા હાથમાં તો ત્રણ પવાલાંનાં ત્રણ પવાલાં જ રહ્યાં…’
‘એટલે તો હું કહેતો’તો કે પારકી આશ સદાય નિરાશ, પારકાનું આપ્યું ને તાપ્યું કેટલી વાર ટકે !’ ઓતમચંદે પત્નીનો આઘાત ઓછો