કરવા ફરી વાર ડહાપણનાં સૂત્રો ઉચ્ચારવા માંડ્યાં, ‘આ સંસારના સાગરમાં સહુએ પોતપોતાના તૂંબડે જ તરવું જોઈએ… સમજણ પડી ને ?’
પણ જેટલી આસાનીથી ઓતમચંદે દકુભાઈનો જાકારો જીરવી જાણ્યો હતો એટલી સહેલાઈથી લાડકોર આ કપોલકલ્પિત અહેવાલનો આઘાત સહન કરી શકે એમ નહોતી. છેક પરોઢ સુધી એનું વ્યથિત હૃદય આ વસમી વેદનાથી કણસતું રહ્યું. ખળખળિયાને કાંઠે ઢોરમાર પડ્યો હતો તો ઓતમચંદની પીઠ ઉપર, પણ એની વેદના લાડકોર અનુભવતી હતી.
એણે પતિને પૂછ્યું: ‘વાંસામાં શેકબેક કરી દઉં ?’
‘ના… રે, એવું બધું ક્યાં વાગ્યું છે કે શેક કરવો પડે !’ ઓતમચંદે વાત હસી નાખી.
‘તમે તે કેવા મીંઢા કે આવ્યા પછી અટાણ લગી આ વાત જ ન કરી !’
‘ઠાલાં તમે ફિકરમાં પડી જાવ ને જીવ બાળ્યા કરો…’
પણ પત્નીની જીવબળતરા તો વધતી જવાની જ હતી. લગભગ આખી રાત અજંપામાં વિતાવ્યા પછી બીજે દિવસે મેંગણીથી કપૂરશેઠનો જે કાગળ આવ્યો એની વિગતો અનેક રાતો સુધી અજંપો ઉત્પન્ન કરનારી તથા જીવબળતરા કરાવનારી હતી.
એ કાગળમાં કપૂરશેઠે નરોત્તમ સાથેનું ચંપાનું વેવિશાળ ફોક કર્યાના સત્તાવાર સમાચાર લખ્યા હતા.