લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૦

કામદાર નહીં, કાંગસીવાળો
 


મોટા, આમ આવી મામૂલી વાતમાં આટલા મૂંઝાઈ શું ગયા છો ? હૈયારી રાખ્ય, હૈયારી… એ તો એમ જ હાલે. સંસાર કોને કહે ! ઘડીક સુખ, ઘડીક દુઃખ, વળી પાછું સુખ પણ આવે. સમજ્યો ને ? છાતી કઠણ રાખતાં આવડવું જોઈએ, મારા ભાઈ !’

દિવસ આખાના કામકાજથી પરવારીને નરોત્તમ રાતે કીલાની ઓરડી પર આવ્યો ત્યારે વાઘણિયેથી મોટા ભાઈએ લખેલો પત્ર એના હાથમાં આવ્યો. પોતાનું વેવિશાળ ફોક થયાની વિગતો વાંચીને નરોત્તમ હતાશ થઈ ગયો ત્યારે કીલાભાઈએ એને હિંમત આપવા માંડી હતી.

‘મોટા, આમ પોચો ગાભા જેવો થઈને શું બેઠો છે ?’ વધારે પરિચય કેળવાયા પછી કીલાએ પોતાના આ નાનેરા સાથીદારને ‘મોટા’ના હુલામણા નામે સંબોધવાનું શરૂ કરેલું.

કીલાભાઈ તરફથી મળેલાં સંખ્યાબંધ સાંત્વનો છતાં નરોત્તમે પોતાનું મૌન ન છોડ્યું ત્યારે કીલાએ પોતાની આદત મુજબ આકરાં વેણ સંભળાવવા માંડ્યાં.

‘એલા તું તે મરદ છો કે બાઈમાલી ? આમ રાંડી રાંડની ઘોડ્યે માથે હાથ દઈને શું બેસી ગયો છો ? બાયડી પરણવી એમાં કઈ મોટી વાત છે ! કાલ સવારે તને કંકુઆળો કરાવી દઈશ…’ કહીને કીલાએ આદત મુજબ પોતાની આત્મશ્લાધા શરૂ કરી: ‘મને ઓળખે છે તું ? હું કોણ ? કીલો કાંગસીવાળો !’

પણ ‘કાંગસીવાળા’નો આ ૫રચો પણ સંતપ્ત નરોત્તમને કશું

૧૯૪
વેળા વેળાની છાંયડી