સાંત્વન ન આપી શક્યો ત્યારે કીલાએ એક બીજો કીમિયો અજમાવવાનું વિચાર્યું.
બીજે દિવસે સવારમાં કીલો હંમેશના નિયમ કરતાં બહુ વહેલો ઊઠ્યો અને ચૂલો પેટાવ્યો ત્યારે નરોત્તમને બહુ નવાઈ લાગી. એણે આટલા વહેલા ઊઠવાનું કારણ પૂછ્યું ત્યારે કીલાએ ટૂંકો જવાબ આપ્યો:
‘આજે આપણે અપાસરે જવું છે.’
‘અપાસરે ?’ નરોત્તમને વધારે નવાઈ લાગી. પોતે આટલા દિવસથી આ ઓરડીમાં રહેતો હતો પણ અપાસરાનું નામ તો કીલાએ કોઈ વાર લીધું જ નહોતું.
‘કેમ ભલા ? ધરમના થાનકમાં જાવામાં તને કાંઈ વાંધો છે ?’ કીલાએ પૂછ્યું.
‘ના રે ના. વાંધો વળી શું હોય ?’
‘તો ઠીક. ધરમનાં બે વેણ કાનમાં પડશે તો કાયાનું કલ્યાણ થાશે.’
‘થાવા દિયો ત્યારે !’ નરોત્તમે લા૫રવાહીથી કહ્યું.
‘અપાસરામાં બાળબ્રહ્મચારી મીઠીબાઈસ્વામી બિરાજે છે… રાજકોટને નસીબે આ ચોમાસે બહુ ગરવાં આરજા આવ્યાં છે. દર્શન કરીએ તો ભવસાગર તરી જાઈએ,’ કીલો આ સાધ્વીજીની પ્રશસ્તિ નરોત્તમ કરતાંય વિશેષ તો પોતાને જ સંભળાવી રહ્યો હતો: ‘રોજ સવારમાં વખાણ બેસે છે… ને કેવળજ્ઞાની જેવાં મીઠીબાઈસ્વામીના મોઢામાંથી જાણે કે અમૃત ઝરે છે. આવી દેવવાણી સાંભળવા ઠેઠ ક્યાંય ક્યાંયથી શ્રાવક-શ્રાવિકા આવે છે.’
આ પ્રશસ્તિમાં નરોત્તમે કશો ૨સ ન બતાવ્યો છતાં કીલાએ તો પોતાનું સંભાષણ ચાલુ જ રાખ્યું:
‘આરજાની ઉંમર હજી નાની છે પણ પરિષહ કેવા આકરા ખમે છે ! સંસાર ત્યાગીને પોતે તો તરી ગયાં ને હવે આપણા જેવા ભારેકરમી જીવને તારી રહ્યાં છે… મીઠીબાઈનો આત્મા જ