પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોઈ મહાપુણ્યશાળી હશે… નહીંતર, આ ઉંમરે જેને સંસારનાં સુખ ભોગવવાનાં હોય એ આમ પંચમુષ્ટિલોચ કરીને સાધ્વી થઈ જાય ?’

આવી સંબદ્ધ-અસંબદ્ધ સ્વગતોક્તિઓ ઉચ્ચાર્યા કરવાની કીલાની આદતથી નરોત્તમ એટલો ટેવાઈ ગયેલો કે અત્યારે એણે આ સાધ્વીપ્રકરણ વિશેના પ્રલાપમાં ખાસ સક્રિય રસ બતાવ્યો નહીં. કેવળ કુતૂહલથી એ મૂંગો મૂંગો સાંભળી રહ્યો.

‘મોટા, તું ઝટપટ તૈયાર થઈ જા ! — વખાણમાં ટેમસર પૂગી જાવું પડશે… આઠ વાગ્યા પહેલાં તો અપાસરો આખો હકડેઠઠ ભરાઈ જાય છે. મોટા અમલદાર ને રાજરજવાડાં વખાણમાં આવે છે, એટલે તો ઊભવાની જગ્યા નથી જડતી —’

‘સાચે જ ?’ હવે નરોત્તમે જારા રસ બતાવ્યો.

‘અરે ! ચીખલીઆળાના દરબાર હાથિયાવાળા બાપુ પોતે હાજર રહે છે. મીઠીબાઈસ્વામીની અમૃતવાણી તેં હજી સાંભળી નથી ત્યાં સુધી શું કહું તને ! જાણે કે સમોસરણમાં વીરપ્રભુ દેશણા દેતા હોય એવું લાગે ! આ પંચમકાળમાં આવા પુણ્યશાળી આત્માનાં દર્શન કરીએ તોય આપણાં પાતક ધોવાઈ જાય.’

બેય ભાઈબંધો ઓરડીમાંથી નીકળીને ઉપાશ્રયે પહોંચ્યા ત્યાં સુધી રસ્તામાં પણ કીલાની જીભ શાંત નહોતી રહી. મીઠીબાઈસ્વામીના આ પ્રશંસકે પોતાનો વાગ્પ્રવાહ અસ્ખલિત ચાલુ રાખ્યો હતો.

‘બાઈને બાળપણમાં જ ખારા સમદર જેવા સંસારની અસારતા સમજાઈ ગઈ… બાપાના ઘરની સુખચેનની સાહ્યબી છોડીને આવા આકરાં વ્રત અંગીકાર કરી લીધાં… ચોથા આરાના કોઈક હળુકરમી જીવ હશે એટલે આ કળજગમાં કરમ ખપાવવા સંસાર છોડીને હાલી નીકળ્યાં —’

રાજકોટના રાજમાર્ગ ઉપર કીલો મોટે અવાજે આવા પ્રલાપ કરતો જતો હતો તેથી નરોત્તમને જરા ક્ષોભ થયો. હવે એને આ

૧૯૬
વેળા વેળાની છાંયડી