લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાધ્વીની વાત સાંભળીને કુતૂહલને બદલે જરા ભીતિ પણ ઊપજી. મનમાં થયું, આ કીલાભાઈ મને ક્યાં લઈ જવા માગે છે ? શા માટે લઈ જાય છે ? સંસારની અસારતા સમજાવી સમજાવીને મને પણ સાધુજીવનની દીક્ષા અપાવવા માગે છે કે શું ?

ઊભી બજારે કીલાને ઘણાંય ઓળખીતાં માણસો સામાં મળતાં હતાં. એ સહુને આ બોલકણો માણસ મોટે અવાજે બોલાવતો: ‘કાં અદા ! મઝામાં છો ને ?’ ‘કેમ છો કાકા ? અટાણમાં કેણી કોર ?’ કીલો કોઈને ‘રામરામ’ તો કોઈને ‘જેસીકરસન' કરતો અને પછી હળવેકથી નરોત્તમના કાનમાં ‘જેશ્રીકૃષ્ણ’નો અપભ્રંશ ઉચ્ચાર ‘જેઠી ખતરણ’ કહીને ઉમેરતો: ‘અમારા ગામના નભા રંગારાની વહુ જેઠી ખતરણને અટાણના પોરમાં યાદ કરવી પડે છે !’ એવી જ રીતે, કોઈ ઓળખીતા મુસલમાનને ‘સલામ આલેકુ’ કહીને પછી નરોત્તમના કાનમાં ‘માર સાલેકુ’ બોલતો અને ખડખડાટ હસી પડતો.

એક પરિચિત પાનવાળાને કીલાએ સંભળાવી: ‘એલા એય, અટાણના પહોરમાં તારું કુબજા જેવું ડાચું મને દેખાડ્યું છે એટલે મારો આજનો આખો દી બગડશે.’

કીલા સાથે મશ્કરીનો વહેવાર ધરાવનાર એક રેંકડીવાળાએ સામેથી કીલાને પણ કટાક્ષમાં પૂછ્યું: ‘એલા, અટાણના પહોરમાં શું વેચવા નીકળ્યો છે !’

‘અટાણે તો હું પંડ્યે જ વેચાવા નીકળ્યો છું, પણ કોઈ ઘરાક જડતું નથી. આ કીલાની સાડા ત્રણ મણની કાયા છે, પણ એનાં સાડા ત્રણ કાવડિયાંય ક્યાંય ઊપજે એમ નથી.’

પૃચ્છકને આવો આખો જવાબ આપીને કીલાએ નરોત્તમને ગંભીરભાવે કહ્યું:

‘આ કૌતક જોયું ને મોટા, કે સંધાય જનાવરનાં નાણાં ઊપજે છે. માત્ર માણસનાં નાણાં નથી ઊપજતાં. મીઠીબાઈસ્વામી વખાણ

કામદાર નહીં, કાંગસીવાળો
૧૯૭