લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાંચતાં વાંચતાં કહે છે, પણ હું તો નજરોનજ૨ જોઉં છું કે માણસ જેટલું સોંઘું જનાવ૨ બીજું કોઈ નથી.’

કીલાએ ઉપજાવેલી આવી આઘાતજનક ફિલસૂફી જીરવવા જેટલી નરોત્તમની તૈયારી નહોતી, તેથી એ તો પોતાના સાથીદાર તરફ ડઘાઈ ગયેલી નજરે જોઈ જ રહ્યો.

કીલાએ પોતાનું કથન સ્પષ્ટ કરવા ઉદાહરણનો આશરો લીધો: ‘તું હજી સમજ્યો નહીં, મોટા ! બકરાં-પાડરડાંના પાંચ-દસ રૂપિયા પણ ઊપજે… હાથી તો જીવતો લાખનો અને મરે તો સવા લાખનો ગણાય… પણ માણસનું તો દોકડા એકનુંય મૂલ ન ઊપજે. મરે કે તરત એની રાખ થઈ જાય…’

અને પછી કીલો આ મૂલ્યશાસ્ત્ર છોડીને એકાએક વૈરાગ્યમાં સરી પડ્યો:

‘મોટા, આપણે મન ગમે એટલી મમત કરીએ, હુંપદ સેવીએ, પણ કાયા તો કાચનો કૂંપો છે… મીઠીબાઈસ્વામી દૃષ્ટાંત આપશે એટલે તને સમજાશે કે આ ચામડે મઢેલાં હાડકાંના માળખાની બહુ મમત કરવી સારી નથી.’

નરોત્તમ ફરી ગભરાયો. કીલાભાઈ મને અબઘડીએ જ ડિલે ભભૂત ચોળાવી દેશે કે શું ?

કીલાની આજની મનોદશા નરોત્તમને રહસ્યભરપૂર લાગતી હતી. વિરક્તિ અને અનાસક્તિની વાતો પાછળનું એનું અંતરવહેણ પારખવું મુશ્કેલ હતું. રસ્તે સામા મળતા પરિચિતોની મશ્કરી કરીને કીલો ઘણી વા૨ ખડખડાટ હસી પડતો હતો ત્યારે પણ એની આંખમાં કોઈક ઘેરો વિષાદ જ ચમકતો હતો. બહારથી આનંદી લાગતા આ માણસના હૃદયમાં કોઈ અંતરતમ ખૂણે ઊંડી વેદના ભરી છે કે શું ? એના મુક્ત હાસ્યની પાછળ કોઈ આંસુની કથા તો લપાયેલી નથી પડી ને ? કે પછી રુદન અને હાસ્ય એના જીવનમાં તાણાવાણાની

૧૯૮
વેળા વેળાની છાંયડી