જોઈ રહી છે ને ! સહુના હાથ ઉપર મારી જ પહેરાવેલી બંગડિયું છે… જમાનો બદલાણો એમ બાયડિયુંએ બલોયાં ઉતારીને મારા હાથની બંગડિયું પહેરી એટલે સહુ આ કાંગસીવાળાને ઓળખે—’
‘એ તો ઓળખે જ ને !—તમે ઘેર ઘેર ફરીને કાંગસી વેચી હશે !’
‘ઓળખે ભલે પણ અટાણે ધરમના થાનકમાં સાધ્વીજીનાં દર્શન કરવાને બદલે નભાઈયું મારી સામે શું કામને નજરું તાણે છે ?’
‘તમેય પણ સાધુ જેવા જ છો ને !’ નરોત્તમે મજાકમાં કહ્યું.
‘હું તો સાધુ કરતાંય સવાયો છું. પણ હજી લગી સંસારમાં રહું છું ને માથે મૂંડો નથી કરાવ્યો એટલે મને કોઈ ખસૂડિયલ કૂતરુંય પગે લાગવા નથી આવતું ને આવી આરજાને સહુ ધોડી ધોડી સામેથી વંદણા કરવા જાય છે.’
‘તમે તો પોતે મૂંડો કરાવવાને બદલે સામા માણસને મૂંડી નાખો એવા હુશિયાર છો !’ નરોત્તમે હસતાં હસતાં હળવેથી કહ્યું, ‘મને તો બીક લાગે છે કે આ અપાસરામાં ખેંચી લાવીને મારે માથેય મૂંડો કરાવી નાખશો.’
‘ના રે ના !’ કીલાએ પ્રેમથી કહ્યું, ‘તને તો મારે હજી વરાવવો-પરણાવવો છે… તું જોજે તો ખરો, મોટા ! તને એવી તો ધામધૂમથી ઘોડે ચડાવીશ કે દુનિયા આખી જોઈ રહેશે ! મને તેં હજી પૂરો ઓળખ્યો નથી… હું કોણ ? ખબર છે ?—કીલો કાંગસીવાળો !’
‘કાં કામદાર ! આવી પૂગ્યા છો ને !’ ધોળી મૂછવાળા એક ડોસાએ કીલાને ખભેથી હલબલાવ્યો.
નરોત્તમને નવાઈ લાગી. બેવડી નવાઈ લાગી. એક તો, આ વિલક્ષણ મુખમુદ્રાવાળા ડોસાને જોઈને, અને બીજી, આ કાંગસીવાળા માટે વપરાયેલ ‘કામદાર’ સંબોધન સાંભળીને.