લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘બોલો મા, બોલો મા ! કીલાએ કરડાકીથી પેલા વૃદ્ધને કહ્યું, ‘ખબરદાર, મને કામદાર કીધો છે તો ! કાંગસીવાળો કહો, કાંગસીવાળો !’

‘કાંગસી વેચી એટલે કામદાર થોડા મટી જાવાના હતા ?’ ડોસો હજી આછું હસતો હસતો કહી રહ્યો હતો, ‘બાપદાદાની સાત-સાત પેઢીની શાખ એમ સાવ ભુલાઈ જતી હશે, ભલા માણસ ?’

‘ન ભુલાતી હોય તોય મારે ભુલાવી દેવી છે,’ કીલાએ કહ્યું, ‘આ મનખો આખો મને કાંગસીવાળો કહીને જ બોલાવે છે—’

‘પણ હું તો તમને કામદાર જ કહીશ !’ ડોસો બોલ્યો.

‘ભલે કહો, પણ આંહીં અપાસરામાં નહીં. કીલાની ઓરડીએ આવીને કહો તો વાંધો નહીં.’

‘તમારી ઓરડીએ મારે આવવું જ પડશે. કામ પડ્યું છે.’

‘ઓરડી નહીં, કીલાનો આનંદાશ્રમ કહો !’

‘ઠીક લ્યો, આનંદાશ્રમ કહું. તમારા આનંદાશ્રમમાં મારે આવવું પડશે–જરાક મૂંઝવણ થઈ છે, એટલે તમારી સલાહ લેવા… કેવે ટાણે આવું ?’

‘કીલાનો આનંદાશ્રમ, આઠેય પહોર અભંગદ્વાર ઉઘાડો રહે છે,’ કીલાએ આદતના જોરે ખડખડાટ હસીને કહ્યું.

આ મુક્ત હાસ્ય ઉપાશ્રયના ઉદાસીન વાતાવરણમાં ખલેલકર્તા બની રહ્યું. એક વધારે પડતા ભાવિક શ્રાવકે તો કીલા તરફ જોઈને ટકોર પણ કરી;

‘મહાસતીનું વખાણ સાંભળવા આવ્યા છો કે ઠીઠિયાઠોરી કરવા ? જીવને બે ઘડી શાતા રાખીને ધરમનાં વેણ સાંભળો તો આત્માનો ઉદ્ધાર થાશે.’

સાંભળીને કીલો ગમ ખાઈ ગયો. પછી મનમાં ને મનમાં બબડ્યો: ‘અમે તો કેદુના ઊધરી ગયેલા છીએ—ભગવાનને ઘેરેથી જ અમે તો

૨૦૨
વેળા વેળાની છાંયડી