૨૧
થોડી વારમાં કીલાની જીભ એકાએક બંધ થઈ ગઈ તેથી નરોત્તમને
નવાઈ લાગી. એણે પોતાના ભાઈબંધના મોઢા તરફ નજર કરી ત્યારે વધારે નવાઈ લાગી. કીલો મૂંગો થઈ ગયો હતો એટલું જ નહીં, એના રમતિયાળ ચહેરા ઉપર ગજબની ઉદાસી છવાઈ ગઈ હતી. એની આંખો સેંકડો શ્રોતાઓની આરપાર થઈને સીધી સાધ્વીજી ઉપર જ કેન્દ્રિત થઈ હતી. એ અનિમિષ નજરમાં કયો ભાવ હતો ? સાધ્વીજી પ્રત્યેનો પૂજ્યભાવ ? સંસારત્યાગી પ્રત્યેનો આદરભાવ ? અનુકંપા ? ઉપેક્ષા ? ઈર્ષ્યા ? કે ઉપાલંભ ?… એ સમજવાનું નરોત્તમ જેવા બિનઅનુભવી માણસનું ગજું નહોતું.
વ્યાખ્યાન પૂરું થયું. શ્રોતાઓ વીખરાવા લાગ્યાં. પણ કીલો પોતાના સ્થાન પરથી ખસ્યો નહીં. વ્યાખ્યાન-મંચ ૫૨ ખોડાયેલી નજર પણ એણે પાછી ખેંચી નહીં.
નરોત્તમ વધારે આશ્ચર્યથી થોડી વાર તો કીલા સામે તાકી જ રહ્યો. પણ પછી ધી૨જ ખૂટતાં એણે પોતાના સાથીદા૨ને જાગ્રત કર્યોઃ
‘કીલાભાઈ, હવે ઘરઢાળા હાલશું ને ?’
‘મહાસતીને વંદણા કર્યા વિના જ ?’ ઝબકીને કીલાએ ટૂંકો ઉત્તર આપી દીધો અને ફરી પાછો મૂંગો થઈ ગયો.
ઉપાશ્રય લગભગ આખો ખાલી થઈ ગયો અને સાધ્વીજીઓ પાસે બે-ચાર ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ જ ઊભેલાં રહ્યાં ત્યારે કીલો ધીમે પગલે આગળ વધ્યો. ‘અહીં સુધી આવ્યા છીએ ને વંદણા કર્યા વિના પાછા જઈએ તો પાપ નો લાગે ?’ એમ કહીને એણે નરોત્તમને પણ સાથે લીધો.