લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘મોટા, જોયાને જિંદગીના ખેલ !’ રસ્તામાં કીલાએ નરોત્તમનો ખભો હચમચાવતાં કહ્યું, ‘આનું નામ નસીબની લીલા !’

પણ આ ખેલ કે લીલા વિશે નરોત્તમને કશી સમજ ન પડી અને એણે એમાં હા-હોંકારો ન ભણ્યો તેથી કીલાએ સ્વગતોક્તિ ઉચ્ચારી: ‘કરમની ગતિની કોઈને ખબર નથી પડતી—’

કર્મ અને ગતિ વિશેની વધારે ફિલસૂફીમાં પણ નરોત્તમની ચાંચ બૂડી નહીં. એ તો આજ સવારથી સાંજ ઊંડા આશ્ચર્યમાં જ ગરકાવ થઈ ગયો હતો. કીલાને મોઢેથી આવાં અસ્પષ્ટ સંભાષણો સાંભળીને એણે વધારે ગૂંચવાડો અનુભવ્યો.

‘આ મીઠીબાઈસ્વામીને ઓળખ્યાં, મોટા ?’ કહીને કીલાએ આખરે ધડાકો કર્યો: ‘એનું સગપણ પહેલવહેલું મારી હારે થયું’તું —’

‘એમ ?’ નરોત્તમ તો આ સાંભળીને ડઘાઈ જ ગયો. અધ્ધર શ્વાસે પૂછ્યું: ‘પછી ? પછી ? શું થયું ?’

‘પછી તો અમારી બેય જણની આડે આવ્યાં—’

‘કોણ ? માબાપ ? વડીલો ?’

‘ના રે ના, માબાપ બિચારાં શું આડે આવતાં હતાં ? — આડે આવ્યાં અંતરાય કરમ !’

જીવનનો આવો મહત્ત્વનો પ્રશ્ન આ માણસ ઊભી બજારે ચર્ચે એ નરોત્તમને ઉચિત ન લાગતાં એણે વધારે પૃચ્છા માંડી વાળી. પણ કોઈક હેતુપુરઃસર પોતાની જીવનકથની આજે કહી સંભળાવવા કૃતનિશ્ચય બનેલ કીલો એમ પોતાના સાથીદાર તરફથી પ્રશ્નોની રાહ જોવા રોકાય ખરો ?

‘એકબીજાની લેણાદેણી જ નહીં, બીજું શું ?’ કીલાએ ફરી મૂળ વાત શરૂ કરી. નહીંતર આવા વિજોગ ક્યાંથી ઊભા થાય ? મીઠીબાઈ હારે મારું સગપણ તો સાવ નાનપણમાં જ થઈ ગયું’તું. હું હજી નિશાળેય નહોતો બેઠો એ પહેલાં મારા કપાળમાં ચાંદલો થઈ

મૂંગી વેદનાની મુસ્કરાહટ
૨૦૭