પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કે કામદારનું ખોરડું મેલીને બીજે સગપણ કર્યું એનું કુદરતે આવું ફળ આપ્યું. સંસારમાંથી બાઈનું મન ઊઠી ગયું એટલે એણે તો દીક્ષા અંગીકાર કરી લીધી ને હાથમાં રજોહરણ લઈ લીધું. સમજ્યોને મોટા, કુદરત માણસને કેવા ખેલ ખેલાવે છે, એનો આ દાખલો !’

સાંભળીને કીલાનો આ ‘મોટો’ સાવ મૂંગો થઈ ગયો.

‘સમજ્યો ને મોટા, આનું નામ જિંદગીની લેણાદેણી !’

પણ ‘મોટો’ આ કથની ઉપરથી એટલું બધું સમજી ગયો હતો કે એ વિશે કશાં ટીકાટિપ્પણ કરવાનું પણ એને સૂઝતું નહોતું.

‘સમજ્યો ને મોટા, આનું નામ ઋણાનુબંધ ! આનું નામ કરમની લીલા ! ભગવાન માણસને આ ભવાટવીમાં કેવા ફેરા ફેરવે છે તે આનું નામ… સમજ્યો ને મોટા !’ કીલાએ આપવીતીમાંથી આવાં તારતમ્યો કાઢવા માંડ્યાં.

કીલાએ તો પોતાની જ આપવીતી વર્ણવી હતી, પણ નરોત્તમને એ પરવીતીમાં પણ આપવીતીની અનુભૂતિ થતી લાગી. કથની તો કીલાએ પોતાની વર્ણવી હતી, પણ એની વેદના નરોત્તમના ચહેરા પર વંચાતી હતી. માનવજીવનની આવી વિચિત્ર ઘટનાઓ સાંભળીને એ એવો તો અંતર્મુખ બની ગયો કે એક શબ્દ સરખો ઉચ્ચારવાના એને હોશ ન રહ્યા.

રખે ને પોતાનો ભાઈબંધ આવી વાતો સાંભળીને ભડકી ગયો હોય એવા અંદેશાથી કીલાએ પોતાના વક્તવ્યનો સૂર બદલ્યો.

‘સમજ્યો ને મોટા, સગપણ તૂટી ગયું… નસીબમાં માંડ્યું હશે તો ફરીથી સંધાશે, નહીંતર પછી બિસ્મિલ્લાહ ! પણ આમ સાવ પોચો પાપડ જેવો થઈ જઈશ તો જિંદગી હારી બેસીશ.’ કીલાએ ફરી મૂળ વાતનો તંતુ સાધ્યો તેથી નરોત્તમને વધારે આશ્ચર્ય થયું.

આ માણસના પ્રથમ દૃષ્ટિએ અસંબદ્ધ લાગતા વાર્તાલાપોમાં સંબંદ્ધતાનો અદૃષ્ટ દોર રહેલો છે કે શું ? એનું ચિત્તતંત્ર પેલા

મૂંગી વેદનાની મુસ્કરાહટ
૨૧૧