૨૨
રાજકોટ જંક્શનના પ્લૅટફૉર્મ ઉપર વૈશાખ મહિનાની લૂ વરસતી હતી. ઓતરાચીતરાનાં દનિયાં તપતાં હતાં અને બળબળતો વાયરો ફૂંકાતો હતો છતાં પ્લૅટફૉર્મ અત્યારે પ્રવાસીઓથી ભરચક થઈ ગયું હતું, કેમ કે મેઇલ ટ્રેનની રાહ જોવાતી હતી.
આટલા ઉતારુઓમાં રમકડાં ખરીદનાર કોઈ ઘરાક ન મળવાથી કીલો પોતાની રેંકડી પર કોઈ શહેનશાહની અદાથી પલાંઠી વાળીને બેઠો હતો. પાણીની પરબને છાંયડે પડેલી એ રેંકડીની બાજુમાં નરોત્તમ ઊભો હતો. દાવલશા ફકીર ભીંતને અઢેલીને પડ્યો હતો અને થોડી થોડી વારે પોતાના ઓલિયાઓને યાદ કરતો હતો. ભગલો ગાંડો એની આદત મુજબ, અહીંથી પસાર થનારા લોકો સાથે અસંબદ્ધ વાર્તાલાપ કરી રહ્યો હતો.
કીલા સાથે મીઠીબાઈનાં દર્શન કરી આવ્યા પછી અને કીલાએ પોતાનો ભેદી ભૂતકાળ થોડોઘણો ખુલ્લો કર્યા પછી નરોત્તમ એના પ્રત્યે વધારે આત્મીયતા અનુભવી રહ્યો હતો. કીલામાં નરોત્તમને જીવતરનો બળ્યોજળ્યો પણ હમદર્દ માણસ દેખાતો હતો અને એ હમદર્દીને કારણે એ હવે પહેલાં કરતાં વધારે હૂંફ અને નિકટતા અનુભવી રહ્યો હતો. માત્ર કીલો જ નહીં, હવે તો કીલાના આ નિત્યસંગાથીઓ—ફકીર અને ગાંડો— પણ નરોત્તમના નિકટના મિત્રો બની રહ્યા હતા.