પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઊભો રહે તો તો ગામમાં સહુ એમ જ કહે ને કે શહેરમાં જઈને ડેલે હાથ દઈ આવ્યો !’

‘ડેલે હાથ દીધા જેવું જ થાશે એમ લાગે છે.’ નરોત્તમે ખિન્ન અવાજે કહ્યું.

‘અરે, એવું થાય તો તો કીલો આ મૂછ મૂંડાવી નાખે, મૂછ !’ કીલાએ મૂછ પર તાવ દેતાં દેતાં કહ્યું, ‘કામધંધો તો માણસનું મોઢું જોઈને ગોતવો જોઈએ ને, મોટા ! તને જેવુંતેવું કામ ગોતીને બેસાડી દઉં તો તારી તો ઠીક, આ કીલાની પણ આબરૂ જાય. તને શું હું ઓળખતો નથી ? તારું કુટુંબ કયું ? તું ફરજંદ કોનું ! માણસ જ્યાં શોભતો હોય ત્યાં શોભે. તને જેવેતેવે ઠેકાણે મેલું તો કાલ સવારે તારા મોટા ભાઈનો ઠપકો આ કીલાને સાંભળવો પડે, સમજ્યો ?’

નરોત્તમને આ સાથીદારની વાતોમાંથી હવે શ્રદ્ધા ઓસ૨વા માંડેલી તેથી એ કશું બોલવાને બદલે મનમાં હસી રહ્યો.

પ્લૅટફૉર્મ ઉપર ઉતારુઓની ભીડ વધી ગઈ હતી. આવતી ટ્રેનને સિગ્નલ અપાઈ ગયું હોવાથી મજૂરો સરસામાન ઉપાડવા સજ્જ થઈને પ્લૅટફૉર્મ ઉપર ઊભા હતા. કીલાએ પણ પોતાની રેંકડી છાંયડી તળેથી બહાર કાઢી. ‘હાલ, ભાઈ, બેપાંચ રમકડાંનો વેપલો કરી નાખું,’ કહીને એણે એક પચરંગી ઘૂઘરો હાથમાં લઈને વગાડવા માંડ્યો.

પ્લૅટફૉર્મની ફરસબંધી ઉપર મંથરગતિએ ચાલતી રેંકડીની પડખે પડખે નરોત્તમ પણ ચાલતો હતો. ઘૂઘરો વગાડી વગાડીને રેંકડીમાંના રમકડાંની જાહેરાત કરતો હતો એ જોઈને નરોત્તમના મનમાં આજે પહેલી જ વાર એક સવાલ ઊઠ્યો: ‘જેના બાપદાદાઓએ પેઢી

દરે પેઢી રજવાડાંઓનું કામદારું કર્યું છે એ માણસ અત્યારે મામૂલી રમકડાંની રેંકડી ફેરવે છે એ એનું સાચું સ્વરૂપ છે કે માત્ર સ્વાંગ

હું લાજી મરું છું
૨૧૫