રમકડાંના ઘરાક શોધવા રેંકડી ઠેલતો ઠેલતો એ આગળ નીકળી ગયો.
પોતાના સાથીદારની આ સૂચના સાંભળી નરોત્તમ તો સ્તબ્ધ થઈ ગયો. હજી ઘડી વાર પહેલાં કીલાએ મજૂરી કરવાની તૈયારી વિશે પૂછેલું ત્યારે નરોત્તમને કલ્પના પણ નહોતી કે એ વાતચીતનો અમલ આટલો વહેલો થશે. પણ હવે એ વિશે વધારે વિચાર કરવાનો અવકાશ જ નહોતો, કેમ કે, કીલો જેમનો સરસામાન ઊંચકવાની ભલામણ કરતો ગયેલો એ સજ્જને તુરત જ નરોત્તમને આદેશ આપી દીધો:
‘આ પેટી ઝટ ઉપાડતો હો તો ઉપાડી લે, ભાઈ, નહીંતર બીજો મજૂર ગોતી લઉં. એક તો ગાડી મોડી થઈ છે ને એમાં તું વધારે મોડું કરાવીશ તો ઘરે પહોંચતાં જ સાંજ પડી જાશે.’
નરોત્તમનું ચિત્તતંત્ર એવું તો ડહોળાઈ ગયું હતું કે આ સજ્જન શું બોલી રહ્યા છે એ એને સમજાય એમ જ નહોતું. એને માત્ર સામાન ઊંચકી લેવાનો આદેશ જ સમજાયો હતો. અને એના સાથીદારની સૂચનાને શિરસાવંદ્ય ગણીને એણે તો આ ઉતારુનો સરસામાન પણ શિર ઉપર મૂકી દીધો.
અને એ સામાન ઉપાડીને શેઠની પાછળ પાછળ એણે તો ચાલવા પણ માંડ્યું.
દરવાજા ઉપર ટિકિટ કલેક્ટરે આ પરિચિત માણસને પૂછ્યું:
‘કેમ મનસુખભાઈ, ક્યાં જઈ આવ્યા ?’
‘મેંગણી,’ કહીને મનસુખભાઈ આગળ વધ્યા.
હવે નરોત્તમને આ માણસના નામઠામ અંગે લવલેશ શંકા ન રહી. કીલાએ આજે અજાણતાં પણ મને ભેખડે ભરાવી દીધો એમ લાગતાં એ મૂંગો મૂંગો આગળ વધ્યો.
અને હવે જ નરોત્તમને ખ્યાલ આવ્યો કે ટ્રેનમાંથી એક નહીં પણ બે ઉતારુઓ ઊતર્યાં છે. મનસુખભાઈની સાથે એમનાં ઘરવાળાં