પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હતું, તેથી નરોત્તમ પણ મૂંગો મૂંગો એને અવલોકી જ રહ્યો.

કીલાના વિશાળ કપાળ ઉપર જે કરચલીઓ પડતી હતી એ ઘડીક ઊંચી ચડતી હતી, ઘડીક સંકોચાતી હતી, ઘડીક પ્રસરતી હતી તો ઘડીક ગૂંચવાતી હતી. જાણે કે શતરંજ પર સોગઠાંઓ મહત્ત્વની હલચલ કરતાં હતાં. કીલાના ફળદ્રુપ ભેજામાં કોઈક રહસ્યમય વ્યૂહરચના ચાલી રહી હતી. વિશાળ મોરચા પર યુદ્ધ ખેલાતું હોય અને સેનાપતિના મેજ પરના ટચૂકડા નકશા પરની રેખાઓ પલટા લેતી હોય એવું દૃશ્ય અત્યારે કીલાના કપાળ પર દેખાતું હતું.

ધ્યાનસ્થ ઋષિ વર્ષો પછી મૌન તોડે ને એકાદ શબ્દ ઉચ્ચારે એવી અદાથી કીલાએ કહ્યું:

‘પાસ ! પાસ !’

નરોત્તમને પણ આ શબ્દો મંત્રોચ્ચાર જેટલા જ ગૂઢ લાગ્યા, તેથી એનું રહસ્ય જાણવા એ આંખો ફાડીને કીલા સામે તાકી રહ્યો.

ફરી કીલાએ બે શબ્દો ઉચ્ચાર્યા:

‘પોબાર ! પોબા૨! ’

હવે તો, નરોત્તમને કશી સમજણ પડવાને બદલે વધારે ગૂંચવણ જ ઊભી થઈ. ‘પોબાર ! પોબાર !’ કરીને આ માણસ શાની વાત કરી રહ્યો છે ? કોઈ રમતના દાવ ખેલે છે ? પાસા ફેંકવાની વાત છે ? કોઈ પ્રતિસ્પર્ધીને એ પરાજય આપવા માગે છે ? કશું જ ન સમજાતાં નરોત્તમ પૃચ્છક નજરે કીલા સામે તાકી રહ્યો.

‘હવે બેડો પાર છે તારો, સમજ્યો મોટા ? હવે તારે ફતેહના ડંકા !’ કીલાએ ફરી મર્મવાણી ઉચ્ચારવા માંડી. નરોત્તમ વધારે ગૂંચવાયો. શાનો બેડો પાર ને શાની ફતેહના ડંકા ? તૂટેલું વેવિશાળ ફરી વાર સાંધવાની વેતરણ કરે છે કે શું ? કે પછી આમ ને આમ મોઢેથી લાખ લાખની વાતો કરીને આ પોરસીલો માણસ મને પરેશાન કરવા માગે છે ?

પાણી પરખાઈ ગયું
૨૨૭