લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘મોટા, તારાં ઊઘડી ગ્યાં, વગર અરીઠાંએ ઊઘડી ગ્યાં !’

હવે નરોત્તમની ધીરજ ખૂટતાં એણે પૂછ્યું: ‘પણ શું ? શું ઊઘડી ગયું ?’

‘તારું નસીબ ! બીજું શું ?’ કીલાએ આદેશ આપતાં કહ્યું: ‘કાલ સવારથી તારે પેઢીને ગાદીતકિયે બેસી જાવાનું છે.’

પ્રયત્ન કરવા છતાં નરોત્તમ હસવાનું રોકી શક્યો નહીં. પૂછ્યું: ‘કોની પેઢીની વાત કરો છો ?’

‘આપણી પોતાની.’

‘કઈ ? આ રમકડાંની રેંકડીની ?’ નરોત્તમ ફરી હસી પડ્યો.

‘રમકડાંની નહીં, રૂની નિકાસની પેઢીમાં,’ કીલાએ સ્ફોટ કર્યો.

‘પણ કોની ?’

‘છે તો મંચેરશા પા૨સીની પેઢી… …પણ ઘરની પેઢી કરતાંય સરસ છે—’

‘પારસીની પેઢીમાં ?’

‘હા, કેમ ભલા, કાંઈ નવાઈ લાગે છે ? મંચેરશાના બાપુ ને મારા બાપુ એક જ રજવાડામાં નોકરી કરતા. એનો હોદ્દો દીવાનનો ને મારા બાપુનો હોદ્દો કામદારનો. તે દીનો બેય કુટુંબ વચ્ચે ઘર જેવો નાતો. બાપનું દીવાનપદું ગયા પછી મંચેરશા હવે વેપારમાં પડ્યા છે. ઓલી વિલાયતની પેઢી કાઠિયાવાડમાંથી કાચી ચીજ ધમધોકાર દેશાવર ચડાવે છે. એની સામે મંચે૨શાએ પોતાની પેઢી ઊભી કરી છે, આપણા જ મુલકમાં આપણા જ માલનો વેપાર અંગ્રેજને આવડે ને આપણને ન આવડે ? આ મનસુખભાઈ જેમાં કામ કરે છે એ અંગ્રેજી પેઢીની સામે હરીફાઈમાં મંચેરશાએ પોતાની પેઢી નાખી છે. મંચે૨શા પોતે રહ્યા પા૨સી એટલે અરધા વિલાયતી જેવા તો ગણાય જ. દેશદેશાવરમાં એને ઓળખાણપિછાણ, પણ વેપારમાં હોશિયાર ને વિશ્વાસુ માણસની એને જરૂર હતી—’

૨૨૮
વેળા વેળાની છાંયડી