પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વીછળી નાખ્યો અને ટાઢા ગોળામાંથી પાણી ભરી, હાથમાં બેત્રણ પ્યાલા લઈને શેઠિયા મહેમાનને પાણી પાવા આવી ઊભાં.

અમરગઢના ભૂખડીબારસ જેવા સ્ટેશન પર ભાગ્યે જ જોવા મળતાં આવાં ઉજળિયાત ઉતારુઓથી લોકો એવાં તો અંજાઈ ગયાં હતાં કે જોતજોતામાં તો મહેમાનોની આસપાસ ખાસ્સું ટોળું જામી ગયું. આજુબાજુ રખડતાં નાગાંપૂગાં છોકરાં પણ આ આગુંતકોને ઘેરી વળ્યાં. સાંધાવાળાના ઘરનાં બૈરાંઓ પણ લાજના ઘૂમટા આડેથી આ મોટા ઘરનાં માણસોને નીરખવાનું કુતૂહલ રોકી ન શક્યાં.

મહેમાનોનો સરસામાન ઉપાડીને ઘોડાગાડીમાં મેલવા માટે સંખ્યાબંધ ‘સ્વયંસેવકો’ તૈયાર થઈ ગયા. ઘણાખરા માણસો તો સીધી યા આડકતરી રીતે ઓતમશેઠના આશરાગતિયા જેવા હોવાથી પોતાના એ આશ્રયદાતાને સારું લગાડવા થનગની રહ્યા હતા. ખુદ સ્ટેશન માસ્તરે મહેમાનોની ભાતાની પેટી ઉપાડવાનો વિવેક કરી જોયો પણ સમજુ નરોત્તમે એમને અટકાવ્યા.

આ પ્રદેશમાં ચાનું પીણું હજી તાજું જ દાખલ થયેલું અને લોકોને મન આ નવા પીણાનો મહિમા બહુ મોટો હતો તેથી એક લોહાણો ડોસો ‘ભ્રામણિયા ચા’ની કીટલી અહીં ફેરવતો એ પણ અત્યારે શેઠિયા માણસની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવાની લાલચે કીટલી લઈને આવી પહોંચ્યો અને પિત્તળનાં કપ-રકાબીમાં ફરફરતી ચા રેડવા જતો હતો, પણ ધર્મચુસ્ત કપૂરશેઠે એને બે હાથ જોડીને સંભાળવી દીધું: ‘અમારે ચા પીવાની અગડ છે.’ અને પછી આવશ્યકતા નહોતી છતાં અગડનું કારણ ઉમેર્યું: ‘કિયે છે કે ચાના બગીચામાં ભૂકી ઉપર લોહીનો પટ દિયે છે એટલે ઉકાળાનો રંગ રાતોચોળ થાય છે.’

ખુલાસો સાંભળીને આજુબાજુમાં કેટલાક માણસો મૂછમાં હસ્યા ને બીજા કેટલાકને મહેમાનની આવી ધર્મપરાયણતા પ્રત્યે આદર ઊપજ્યો.

આખરે વશરામે જ મહેમાનનો સરસામાન ઉપાડી લીધો અને

૨૨
વેળા વેળાની છાંયડી