પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘કેવી રીતે ?’

‘એણે તારા માથા ઉપર ભાર જોઈને કીધું ને, કે હું લાજી મરું છું ?’

‘હા, ઉપરાઉપર બેત્રણ વાર કીધું કે મેલી દિયો સામાન નીચે, હું લાજી મરું છું.’

‘બસ છે. આ બે વેણ બસ છે.’ કીલાએ કહ્યું, ‘આ તો તારું પારખું કરવા જાતાં ભેગાભેગું મેં ચંપાનુંય પારખું કરી લીધું.’

‘આ બે વેણ ઉપરથી જ ?’

‘બે શું એક વેણ—અરે અરધા વેણ—ઉ૫૨થી સંધુંય સમજાઈ જાય, સાચાં મોતીનાં પાણી તો નજર નાખ્યાં ભેગાં પરખાઈ જાય. સાચાં ને ફટાકિયાં મોતીમાં ફેર એટલો ફેર, સમજ્યો ને ?’

‘મને તો આમાં કંઈ સમજાતું નથી.’

‘તને ભલે ન સમજાય, મને સંધુંય સમજાઈ ગયું. હું લાજી મરું છું એમ કીધું, એટલું બસ છે. હવે એ છે ને આ કીલો છે. એનો હથેવાળો હવે નરોત્તમ સિવાય બીજા કોઈની હારે નહીં થાય…’

‘તમે પણ કીલાભાઈ, ઠીક ટાઢા પહોરની રોનક કરો છો !’ નરોત્તમે કહ્યું.

‘રોનક નથી કરતો. આ કીલાને રોનક કરતાં આવડતી જ નથી. હું તો રોકડિયો હડમાન છું. આપણી પાસે ઉધાર વાત નહીં, રોકડી નગદ સિવાય બીજી વાત આપણને આવડે નહીં. આ કીલો બોલે એટલું કરી બતાવે. ખોટાં ફીફાં ખાંડવાનું મારા બાપે મને શીખવ્યું જ નથી. હું તને તાંબાને પતરે લખી દઉં કે ચંપાની વરમાળા તારી જ ડોકમાં આરોપાશે. કહેતા હો તો આ ફકીરને ને ગાંડાને આપણા સાક્ષી તરીકે રાખીએ. ને એમાં જરાય મીનમેખ થાય તો આ કીલો પોતાની મૂછ મૂંડાવી નાખે એટલી કબૂલાત. પછી છે કાંઈ ?’

કીલો પોતાની ભરાવદાર મૂછને ગર્વભેર વળ ચડાવતો રહ્યો

પાણી પરખાઈ ગયું
૨૩૧