અને નરોત્તમ એના ભણી અહોભાવથી તાકી રહ્યો, એટલે કીલાએ વધારે ગર્વભેર ઉમેર્યું:
‘અરેરે, મોટા, મને તો એક જ વાતનો ઓરતો રહી ગયો કે તેં આ કીલાને હજી લગી ઓળખ્યો જ નહીં ! હું કોણ ? કીલો કાંગસીવાળો !’
રાતે વાળુપાણી પતાવ્યા પછી નરોત્તમ અને કીલા વચ્ચે મોડે સુધી ગુફતેગો ચાલતી રહી.
‘કાલ સવારના પહોરમાં જ તારે મંચેરશાની પેઢી ઉપર બેસી જવાનું છે—’ કીલાએ આદેશ આપ્યો.
‘કાલે જ ? સવા૨ના પહોરમાં જ ?’
‘હા, ધરમના કામમાં વળી ઢીલ શી ?’
‘આ તો ધરમનું નહીં, કરમનું કામ છે.’ નરોત્તમે મજાકમાં કહ્યું. ‘એનો આરંભ કરવામાં સારો વાર, સારું ચોઘડિયું, સારું શુકન જોવું જોઈએ ને ?’
‘એવાં ડોસી-સાસ્ત૨માં આ કીલો માનતો જ નથી. સતપતિના સાતેય વાર સારા જ છે, એમ સમજવું. શુકન-અપશુકન જોવાનું કામ તો સાડલા પહેરનારી બાઈડિયુંને સોંપ્યું. આપણે મરદ માણસને તો આઠેય પહોરનાં ચોઘડિયાં સારાં જ ગણાય. આ કીલો તો એક જ વાત સમજે: ‘કાંડાંમાં જોર જોઈએ, ને કામ કરવાની આવડત જોઈએ.’ આમ કહીને કીલાએ પોતાના જીવનસૂત્રનું પુનરુચ્ચાર કર્યું: ‘હુન્નર હાથ, એને હરકત શી ?’
કીલાનાં આવાં પ્રેરક વચનોથી ઉત્સાહિત થઈને નરોત્તમે પૂછ્યું: ‘હવે વાઘણિયે મોટા ભાઈને કાગળ લખી નાખું ને ? કામધંધો જડ્યો એના સમાચા૨ વાંચીને ભાઈભાભી બિચારાં બહુ રાજી થાશે—’
‘ના.’ કીલાએ કડક અવાજે નકારમાં જવાબ આપી દીધો. ‘મોટા ભાઈને એવો લૂખો કાગળ ન લખાય, કાગળનો કટકો વાંચીને