લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગાંગજીભાઈ,’ થઈ પડે, ને ગરથ હોય તો ‘ગાંગલો’ થઈ જાય. દુનિયાની રફતાર જ એવી છે. એમાં માણસનો વાંક નથી. નામનો મહિમા જબરો છે, મોટા !’

આ નામ-મહિમા નરોત્તમ સાંભળી રહ્યો ને કીલો એકાએક મૂંગો થઈ ગયો. હવે પછી વળી કયો નવો તુક્કો સાંભળવા મળશે એની કલ્પના નરોત્તમ કરી રહ્યો હતો ત્યાં જ કીલાએ ધડાકો કર્યો.

‘મોટા, મારે તારું નામ પણ બદલાવવું પડશે !’

‘મારું નામ ?’ નરોત્તમે આઘાત અનુભવતાં પૂછ્યું, ‘મારું નામ તો હું અહીં આવ્યો કે તરત જ તમે બદલાવી નાખ્યું છે… નરોત્તમમાંથી ‘મોટો’ તો કરી નાખ્યું છે. હજી ત્રીજું નામ આપવું છે ?’

‘મોટો તો હુલામણું નામ છે. વહેવારનું નામ નોખું રાખવું પડશે… મંચેરશાની પેઢીમાં તને નોખે નામે બેસાડવો પડશે.’

‘પણ નામ બદલવાની જરૂર શું છે ?’

‘તને નહીં સમજાય, મોટા ! હજી તારી ઉંમ૨ નાની છે, તેં દુનિયાના વસમા વહેવારના અનુભવ નથી તને, એટલે આ કીલાની રમત હમણાં નહીં સમજાય.’

‘સારું, પણ હવે નવું નામ શું રાખશો ?’ નરોત્તમે કુતૂહલથી પૂછ્યું.

‘આજે રાતે ઊંઘમાં વિચાર કરી જોઈશ,’ કીલાએ જવાબ આપ્યો ને સવારમાં નવું નામ પાડી દઈશ. ઊઠતાંવેંત તને નવે નામે જ બોલાવીશ !’

૨૩૪
વેળા વેળાની છાંયડી