પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચંપાને લાગ્યું કે મારે જે શબ્દો બોલવા છે—અને બોલી શકતી નથી—એને મારા મામાને મોઢેથી વાચા મળી રહી છે. મરડમાં ઉચ્ચારાતી આ દાઢાવાણી અક્ષરશઃ સાચી છે એ હું શી રીતે સમજાવું ? સ્ટેશન પરથી માથે સામાન ઉપાડી ખડકી સુધી મૂકી ગયેલો એ માણસ ખરેખર નવલશા હીરજી જેવા ખાનદાનનું ફરજંદ છે એ હકીકતની ખાતરી શી રીતે કરાવું ?

‘પણ મામા, એના દેખાવ ઉપરથી લાગતું’તું જ કે એણે સુખના દિવસો જોયા હશે—’

‘ને આ તો અમથો શોખથી મજૂરી કરવા આવ્યો’તો એમ ને ?’

‘શોખથી તો નહીં પણ માથે વેળા પડી હશે એટલે નછૂટકે આવું નીચાજોણું કામ કરતો હશે—’ કહીને ચંપાએ ફરી ફરીને એ જ વાત ઉચ્ચારી: ‘એનું મોઢું જ કહી દેતું’તું કે એ માણસે કોઈ દી મજૂરી કરી નથી… ને કરતાં આવડતીય નથી.’

‘નહીં આવડતી હોય તો હવે આવડશે.’ મનસુખભાઈએ ઠંડે કલેજે જવાબ આપ્યો, ‘કામ કામને શીખવે.’

સાંભળીને ચંપા પણ ઠંડીગાર થઈ ગઈ. હવે મામાને આ મજૂરમાં કઈ રીતે રસ લેતા કરવા એ અંગે વિચારી રહી. એક વાર તો એને મનમાં થઈ આવ્યું કે મામાને સીધું સંભળાવી જ દઉં, કે એ મજૂર બીજો કોઈ નહીં પણ વાઘણિયાવાળા ઓતમચંદ શેઠનો નાનો ભાઈ છે અને અને એનું નામ નરોત્તમ છે… પણ બીજી જ ક્ષણે એ વિચાર માંડી વાળ્યો. ‘ના, ના. આમ સીધી રીતે કહી દઈશ તો તો. એ માણસ તરફ મામાને વધારે અણગમો થશે.’

તો પછી એ મજૂરની ભાળ શી રીતે મેળવવી ?… ચંપાની આંખ સામે પોતાના પ્રિયપાત્રની છબી તરવરી રહી. એની એકની એક મુખમુદ્રા જુદાં જુદાં સ્થળમાં ને જુદા જુદા સ્વાંગમાં પણ દેખાતી હતી. પહેલવહેલાં, વાઘણિયે જતી વેળા અમરગઢ સ્ટેશન ઉપર

મનોમન
૨૩૭