પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહેમાનોને ઉતારવા આવેલ એક મૂર્તિ… રસ્તામાં ઘોડાગાડીમાં બેઠે બેઠે તારામૈત્રક રચનાર બીજી મૂર્તિ… નવી મેડીના માઢમાં ગુપ્તપણે ગોષ્ઠી કરનાર ત્રીજી મૂર્તિ… ફરી પાછાં મેંગણી જતી વેળા ઘોડાગાડીમાં વળાવવા આવેલ, ઊઘડતા પરોઢે જ હૃદયમાં પ્રેમપંખીનો મૂંગો કલશોર મચાવી મૂકનાર ચોથી મૂર્તિ… મેંગણી પહોંચ્યા પછી પહેલી જ રાતે મીઠા અજંપામાં સાચાં સપનાંનો અનુભવ કરાવનાર અને પછી તો રોજ રોજ જાગ્રતાવસ્થામાં પણ સપનાંનો સુરમો આંજી જનાર પાંચમી મૂર્તિ… અને છેલ્લે, અહીં ૨ાજકોટ સ્ટેશનેથી ઘર સુધી સાથે સામાન ઉપાડીને મજૂરનો સ્વાંગ સજનાર –અને તેથીસ્તો વધારે અસ્વસ્થ કરી જનાર—છઠ્ઠી મૂર્તિ…’

આમાનાં પહેલા અને છેલ્લા ચિત્ર વચ્ચે બહુ ઝાઝું છેટું પડી ગયેલું. એક મોટા જીવનપલટા જેટલું અંતર દેખાતું. પહેલી વાર જોયેલી અને છેલ્લી વાર અનાયાસે જોવા મળેલી વ્યક્તિ વચ્ચે વિસંવાદ જેવું લાગતું હતું. પણ ચંપા જાણતી હતી કે પેલાં પાંચ ચિત્રો સાચાં, સ્વાભાવિક હતાં, જ્યારે આ છેલ્લું ચિત્ર અસ્વાભાવિક હતું; એ ચિત્રમાં ‘સ્વભાવ’ નહીં પણ સ્વાંગ હતો.

શા માટે એણે આવો સ્વાંગ સજ્યો ? એના ઉપર વિપત પડી છે એ વાત સાચી. પણ સાચોસાચ પેટ ભરવા સારુ જ આવું મજૂરનું કામ કરવું પડ્યું હોય, તોપણ એણે સ્ટેશન ઉ૫૨થી બીજા કોઈનો નહીં ને મામાનો જ સામાન શું કામ ઉપાડ્યો ?… જાણી જોઈને ઉપાડ્યો હશે ? મામા હારે તો એને આંખની ઓળખાણેય નથી. બેય જણા કોઈ દી હરુભરુ મળ્યા જ નથી. આંખને અણસારેય કોઈ એકબીજાને ઓળખતા નહોતા. તો પછી, ગાડી ઊભતાંવેંત મામાના હાથમાંથી ભાર લઈને ભૂલથી જ પોતાના માથા ઉપર એણે મેલી દીધો હશે…?

૨૩૮
વેળા વેળાની છાંયડી