આટલી ઝીણવટથી શું કામે જોઈ રહ્યો હશે ?… હું મનસુખભાઈની ભાણેજ થાઉં છું, એ વાત એ જાણતો હતો ?— જાણી ગયો હશે ? મામા મને શું કામે રાજકોટમાં લઈ આવ્યા છે એ વાતની અને ખબર પડી ગઈ હશે ?…
કોણ હશે એ રેંકડીવાળો ? ઓતમચંદ શેઠનો ઓળખીતો હશે ? એના કુટુંબ હારે એને કાંઈ સગા-સંગપણ હશે ? આ બધું ની એણે હાથે કરીને ગોઠવ્યું હશે ? કે એની મેળે જ ગોઠવાઈ ગયું હશે ?
ચંપાનું વિચારસંક્રમણ ફરી ફરીને મૂળ વાત ઉપર આવતું કે ના, ના, આમાં જરૂર કાંઈક ભેદ છે. આવો જોગાનુજોગ કાંઈ આ ન ગોઠવાઈ જાય… એણે મારું પારખું કરી જોવા સારુ તો આ રમત નહીં ગોઠવી હોય ને ?
અને તુરત આના અનુસંધાનમાં બીજો વિચાર ઝબકી ગયો: મારું પારખું કરવા જ આ રમત ગોઠવી હોય તો તો કેવું સારું ! પારખામાં તો હું બરોબર પાર ઊતરી છું. રસ્તામાં મેં વાત કરી છે. મેં ક્યાંય કરતાં ક્યાંય ભૂલ નથી ખાધી. મેં તો ચોખ્ખું કહી દીધું કે આ તમને શોભતું નથી, ને તમારે માથે ભાર જોઈને હું લાજી મરું છું… બસ, મારાં આટલાં વેણ ઉપરથી એ મારા મનની વાત નહીં સમજી ગયા હોય ? આમ તો કેવા ચતુર ને હોશિયાર છે !—અરધું વેણ બોલીએ તોય આખું સમજી જાય એવા ! આવી વાત તો માણસ સાનમાં સમજી જાય. મેં વળી તોડીફોડીને કીધું છે કે હું લાજી મરું છું… બસ છે, તેજીને તો આટલો ટકોરો જ બસ. સંધીય વાત સમજી જ ગયા હશે… ભલે મોઢેથી બોલતા નહોતા, પણ આંખમાંથી નેહ વરસતો’તો એ રહી શકે એમ હતો ?… છેલ્લી ઘડીએ મેં ડેલીનાં બારણાંમાં પગ મેલતાં મેલતાં પાછું વાળીને જોયું ત્યારે એની આંખ મારા પર ખોડાયેલી હતી ને !–બસ છે આટલું તો… અમે બેય જણાં મૂગાં