મૂંગાં મનોમન સંંધુંય સમજી ગયાં ! ને બેયનાં મનોમન સાક્ષી… હવે અંજળપાણી લખ્યાં હશે તો, જેવાં મનોમન મળ્યાં એવાં જ હરૂભરુ ભેગાં થઈ જઈશું.
અને આ સંભવિત મિલનની મનોમન અનુભૂતિ એવી તો ઉત્કટ બની રહી કે ચંપાએ ઉત્સાહભેર મનસુખભાઈને કહ્યું:
‘મામા, ઓલ્યા મજૂરની ગોત-ભાળ તો કરો !’
હવે મનસુખભાઈનો મિજાજ હાથથી ગયો. એમણે રોષભરી ત્રાડ પાડી:
‘અહોહો ! તેં તો મજૂર મજૂર કરીને લોહી પીધાં અમારાં !’
બસ આટલી ગર્જના કરીને મનસુખભાઈ રોષભેર બીજા ઓરડામાં ચાલ્યા ગયા.
તેઓ ત્રાડ પાડીને ચાલ્યા ગયા એ એક રીતે સારું જ થયું. કેમ કે, હાજર રહ્યા હોત તો ચંપાની આંખમાં તગતગી ગયેલાં આંસુ જોઇને એમને અકળામણ થઈ પડી હોત.
‘શું છે ? શું છે ? આ શેના હાકોટા સંભળાય છે ?’ કરતાંકને રસોડામાંથી ધીરજમામી દોડી આવ્યાં.
ઓરડામાં આવીને જોયું તો ચંપાની બંને અણીવાળી આંખોની પાંપણને છેડે પાણીદાર મોતી સમું એકેક આંસુ તબકતું હતું.
‘અરે ! મારી ચંપાબેન ! આ શું ?’ ધીરજમામી વિસ્ફારિત આંખે પુછવા લાગ્યા :
‘મામાં વઢ્યા ?’
‘કોઈએ કાંઈ આકરાં વેણ કીધાં ?’
‘તમને કંઈ ઓછું આવ્યું ?’
આટલા ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા છતાં ચંપા તો મૂંગી જ રહી. તેથી ધીરજમામીની અકળામણ વધી. એમણે વધુ પૃચ્છા કરી:
‘આંહીં અમારા ઘરમાં ગમતું નથી ?’