પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





ઉષાની રંગોળી
 


રોંઢા ટાણું હતું.

વાઘણિયાની વાંકીચૂંકી બજારમાં અત્યારે બિલકુલ ઘરાકી ન હોવાથી હાટડીદારો નવરા બેઠા ઝોકાં ખાતા હતા.

આ ખૂણા તરફ મામૂલી હાટડી માંડીને બેઠેલો ઓતમચંદ પણ ઘરાકીને અભાવે નાનકડા તકિયાને અઢેલીને જરા આડો થઈને પડ્યો હતો.

ધોળે દિવસે સોપો પડી ગયો હોય એવા સૂમસામ વાતાવરણમાં અમરગઢથી આવતા હલકારાએ વાઘણિયાના ઝાંપામાં પ્રવેશ કર્યો. દરવાજાની દોઢીમાં પસાયતો સાંગામાંચી જેવા ખાટલામાં પડ્યો પડ્યો ઘોરતો હતો. એને સરકારી કાગળનું બીંડલ સોંપવા હલકારાએ પોતાના હાથમાંની લાકડી ખખડાવીને જગાડ્યો.

ઝાંપાની નજીકની એક-બે શેરીમાં બે-ત્રણ પત્તાં વહેંચીને એ સીધો બજાર તરફ વળ્યો.

બે ગાડાં સામસામી દિશાએથી આવી ચડે તો એકને પાછા વળવું પડે એવી સાંકડી બજારમાં અહીંતહીં હરાયાં ઢોર સૂતાં હતાં. એમની પર ઠેક લેતો લેતો હલકારો આગળ વધ્યો ત્યાં તો તો એનો પગરવ સાંભળીને ઊંઘતાં કૂતરાં જાગી ઊઠ્યાં અને ટપાલખાતાના ખાખી ગણવેશધારીને હાઉ હાઉ અવાજ વડે આવકારી રહ્યાં.

કૂતરાંના અવાજે, કાગાનીંદરમાં પડેલા વેપારીઓને જગાડી દીધા, એકાંતરે દિવસે રોંઢા ટાણે સંભળાતા ડાઘિયાં કૂતરાંના અવાજ પોસ્ટમૅનના આગમનનાં ડંકાનિશાન ગણાતાં.

ઉષાની રંગોળી
૨૪૩