દુકાન પાસે નહીં ને ઓતમચંદની એ કંગાલ હાટડી નજીક કૂતરાં ભસ્યાં તેથી આજુબાજુના દુકાનદારોના કાન ચમક્યા.
વેપારીઓને વધારે આશ્ચર્ય તો એ વાતનું થયું કે ઓતમચંદના આંગણામાં કૂતરાં ભસ્યાં એટલું જ નહીં, સારી વાર સુધી એ ભસવાનું ચાલુ રહ્યું.
ગાદીતકિયે આરામથી પડેલાં અદોદરાં શરીરોને પરિશ્રમ આપીને દુકાનદારોએ બજારમાં ડોકિયું કર્યું તો ઓતમચંદની હાટડી પાસે હલકારો થોભ્યો હતો એટલું જ નહીં, એ તો કૂતરાં કરડવાની બીકે હાટડીની અંદર બેસી ગયો હતો; એક પતાકડા ઉપર કઈ કઈ જગ્યાએ સહીઓ કરવી એની સૂચનાઓ આપતો હતો ને ઓતમચંદ શાહીનાં ખડિયામાં બરુ બોળી બોળીને અક્ષરો પાડતો હતો.
જોનારાઓની આંખો ચાર થઈ ગઈ.
સહી થયા પછી સાક્ષીની જરૂર પડી. ઓતમચંદે સામી દુકાન તરફ જોઈને બૂમ પાડી: ‘ભૂધરભાઈ, જરાક આવજો ને, આમાં શાખ નાખવી પડશે.
મનીઑર્ડરના એ ફારમ તરફ ક્યારના ફાટી આંખે તાકી રહેલા ભૂધરભાઇ જ્યારે શાખ નાખવા ગયા અને પોતાના નામનું મત્તું મારતાં મારતાં એમણે રકમનો આંકડો વાંચ્યો ત્યારે એમની આંખ વધારે ફાટી ગઇ. એમનાથી પુછાઈ ગયું: ‘કિયે ગામથી ?’
‘રાજકોટથી’, ઓતમચંદે કહ્યું. ‘આપણો નાનો ભાઈ છે ને, નરોત્તમ, એણે મોકલ્યા છે—’
બસ, પતી ગયું. ભૂધરભાઈને મોઢેથી આખા બજારમાં ને બજારમાંથી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ.
‘ઓતમચંદને ઘેરે આજે લાપસીનાં આંધણ !’
‘શું કામે પણ ?’
‘મન્યાડર આવ્યું !’