પગથિયાં ચડી રહેલા ઓતમચંદને એણે હસતાં હસતાં કહ્યું: ‘ઉભા રહો, તમને કળશો કરું—’
‘શું કામે ભલા ?’ ઓતમચંદે પૂછ્યું. ‘હું શું તોરણે ચડીને આવ્યો છું ?’
‘પણ નરોત્તમભાઈનું મન્યાડર તો આવ્યું છે ને ?’
‘તને કોણે કીધું ?’
‘બટુકે.’
‘બટુકને ક્યાંથી ખબર પડી ?’
‘શેરીનાં છોકરાંવ પાસેથી—’
‘અહોહો ! એટલી વારમાં તો શેરી લગી વાત પૂગી ગઈ ! ઓતમચંદે આશ્ચર્ય વ્યક્ત કર્યું, ‘આ ગામ ગજબનું છે… કાગડા જેવું. કોઈ વાત છાની જ ન રહે.’
‘પછી તો ચાર-પાંચ પડોશણ આવી આવીને હરખ કરી ગઈ કે આજ તો લાપસીનું આંધણ મેલજો.’
‘લાપસીનું આંધણ ?’ ઓતમચંદ જરા વિચારમાં પડી ગયો. પછી એકાએક આનંદભેર બોલી ઊઠ્યો: ‘થાવા દિયો !’
‘શું પણ ?’
‘લાપસી. બીજું શું ?’ ઓતમચંદે આદેશ આપ્યો: ‘મેલી દિયો આંધણ. ચાર-પાંચ પડોશણ કહી ગઈ, તો પછી પંચ બોલે એ પરમેશ્વર.’
‘સાચે જ કિયો છો કે ઠેકડી કરો છો ?’
‘આવી વાતમાં તે ઠેકડી કરાતી હશે ?’
‘પણ મન્યાડર સાચોસાચ આવ્યું છે કે પછી ગામના ગપગોળા જ ?’
‘આ ગામ એટલું બધું પરગજુ નથી કે કારણ વગર આપણી આબરૂ આટલી વધારી મેલે,’ કહીને ઓતમચંદે અંદરના કબજામાંથી કડકડતી નોટોનો થોકડો કાઢીને પત્નીને બતાવ્યો.