પોતાને એક કહેવત યાદ આવી ગઈ એ પણ ઓચરી નાખી : ‘માગણ થવામાં ત્રણ ગુણ: નહીં વેરો, નહીં વેઠ, માગણ માગણ સહુ કરે ને સખે ભરે પેટ.
ઓછાબોલા નરોત્તમે આવા અસંબદ્ધ વાર્તાલાપમાં કશો ભાગ ન લીધો તેથી કપૂરશેઠ જરા છોભીલા પડી ગયા અને બોલવા ખાતર જ બોલી નાખ્યું:
‘અમારે મેંગરીમાં આટલા બધા માગણ નહીં… આંઈ તો આટલા બધા—
‘અરે, હજી તો ઓછા છે, શેઠ !’ વચમાં વશરામ બોલ્યો: ‘હજી તો વાઘણિયે પૂગશું તંયે ખબર પડશે માગણની તો. વાસ્તુનું નામ સાંભળીને ગામેગામથી માગણની નાત્યું ઊમટી પડી છે – જમણવા૨ની એંઠ્ય આરોગવા—’
‘મારી ચંપાને વાઘણિયું જોવાનું બવ મન હતું. કેદુની કૂદી રઈ’તી,’ કપૂરશેઠનાં ધર્મપત્ની સૌ. સંતોકબા ઓચર્યાં.
ચંપા ક્યારની ચોરીછૂપીથી નરોત્તમ સામે જ તાકી રહી હતી. એ આ ટકોર સાંભળીને શ૨મથી પાંપણ ઢાળી ગઈ.
હવે એ ઢાળેલી પાંપણવાળા પુષ્ટ ફૂલગુલાબી પોપચાં ભણી તાકી રહેવાનો વારો નરોત્તમનો હતો.
‘મેં તો કીધું કે હમણાં મોસમ ટાણે મારાથી દુકાન રેઢી મેલાય નહીં. પણ ઓતમચંદ શેઠે ભારે તાણ્ય કરીને તેડાવ્યાં, લખ્યું કે તમારા આવ્યા વિના વાસ્તુનું મુરત નહીં થાય એટલે અમારે નીકળવું પડ્યું,’ કપૂરશેઠ આવાં વિવેકવાક્યો ઉચ્ચારી રહ્યા હતા પણ નરોત્તમ ભાગ્યે જ એમાંથી એકાદો શબ્દ સમજ્યો હશે અથવા સમજવાનો પ્રયત્ન કર્યો હશે. માત્ર મહેમાનના માન ખાતર એ ‘હં… હં…’ કરીને યંત્રવત્ હોંકારો ભણ્યે જતો હતો.
એનું ચિત્ત તો અત્યારે ચંપાના ચંપકવરણા દેહ ઉપ૨ ચોંટ્યું હતું.