લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હજી ભોળુડી લાડકોરને ગળે આ બધી વાત ઊતરતી નહોતી. પતિએ દેવાળું કાઢ્યા પછી પત્નીના માનસમાં જ સાહજિક લઘુતાગ્રંથિ ઘર કરી ગઈ હતી એ અત્યારે બાલિશ પ્રશ્નરૂપે વ્યક્ત થઈ.

‘પણ મોટા દરબાર એનો વજેભાગ તમને જોખવા દેશે ખરા ?’

‘આટલાં વરસ તો આપણે જ જોખતા હતા ને ?’

‘આટલાં વરસની વાત નોખી હતી… …આપણી ઊંચી શાખ હતી. પણ હવે—’

‘હવે આપણા કરતાંય ઊંચી શાખ મંચેરશા પારસીની છે. સરકારની ટંકશાળ કરતાંય મંચેરશાની હૂંડીના વધારે સિક્કા પડે છે. નામચીન વેપારી મારી ખાય, એના જેવું છે આ તો.’

હજી લાડકોરને આ નવા નવા સાંપડેલા સૌભાગ્યમાં શ્રદ્ધા નહોતી બેસતી. એણે સહજ પ્રશ્ન પૂછ્યો:

‘પણ બીજા મોટા મોટા વેપારી આડે નહીં આવે ?’

‘બીજા બધાય કરતાં આપણે ટકો ભાવ વધારે આપીશું. દામ કરે કામ ને લૂંડી ભરે સલામ. એ તો દુનિયાનો વેવાર છે.’

પતિને મોઢેથી એકેક ઉત્તર સાંભળતી હતી ને લાડકોર હરખાતી જતી હતી. જીવન-નાટકમાં દરિદ્રતાનું લાંબું દૃશ્ય ભજવાયા પછી જીવન પરોઢ ઉપર જે જવનિકા ઊઘડેલી એમાં એને સહેલાઈથી વિશ્વાસ નહોતો બેસતો. તેથી તો એણે ફરી વાર બાલિશ પ્રશ્ન પૂછ્યો:

‘આ બધું સાચોસાચ થાશે ?’

‘અરે. તું જોજે તો ખરી. આ ઓતમચંદના સપાટા ? એક મોસમ સરખી ઊતરશે તો બેડો પાર છે !’

‘તો તો તમારા મોઢામાં સાકર !’

‘સાકર નહીં, લાપસી જોઈએ !’ જતાં જતાં ઓતમચંદે લાડપૂર્વક કહ્યું અને પત્ની તરફ મુગ્ધભાવે તાકી રહ્યો.

ઉષાની રંગોળી
૨૫૧