લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ નાખ્યું છે એટલે મીઠી જ લાગે છે, પણ નાનપણમાં એકવાર દુઃખના દહાડામાં મેં મારે હાથે લાપસી રાંધીને ખાધી’તી એ વધારે મીઠી લાગી હતી.’

‘હાથે રાંધેલી વધારે મીઠી લાગી એમ ?’ પોતાની પાકશાસ્ત્રકલાની કિંમત ઓછી અંકાતી લાગતાં લાડકોરનું સ્વમાન ઘવાયું.

ઓતમચંદે ખુલાસો કર્યો:

‘તમેં હાથે રાંધેલી એટલે જ મીઠી લાગી, એમ નહીં. જીભમાં સવાદ જ વધી ગયો હતો—બહુ દુઃખ પડવાને લીધે. એ વખતે મારા બાપુ જીવતા’તા. મા મને ને નરોત્તમને નાનકડા મેલીને ગામતરું કરી ગ્યાં’તાં એટલે હું બાપુ ભેગો દુકાનેય બેસું, ને ઘરે આવીને રોટલાય ઘડું. એ જમાનામાં હજી કપાસનાં વાવેતર બહ વધેલાં નહીં, એટલે આપણે ઘીનો મોટો વેપાર કરતા. એમાં એક વાર બન્યું એવું કે રાતના કોઈ હરામખોરે વખારમાં ખાતર પાડ્યું ને ઘીનાં છલોછલ ભરેલાં વીસ પાળિયાં ઉપાડી ગયો. સવારમાં આ ચોરી થયાની ખબર પડી એટલે બાપુ તો બિચારા હેબતાઈ ગયા. હું તો હજી બહુ સમજણો નહિં, એટલે ધ્રુસકે ધ્રુસકે રોવા જ મંડ્યો. બાપુએ માંડ કરીને મને છાનો રાખ્યો. વખારમાંથી બધાં પાળિયાં ચોરાઈ ગયાં હતાં પણ દુકાનમાં એક છૂટક વેચાણનું પાળિયું પડ્યું રહ્યું હતું. એ બાપુએ મારા હાથમાં મેલીને કીધું કે ઝટ ઘેર જઈને લાપસીનું આંધણ મેલી દે ! મેં કીધું કે આજે તો આપણે સાવ લૂંટાઈ ગયા, ને માથેથી લાપસીનું આંધણ ? એટલે બાપુ બોલ્યા: ‘ઓલ્યો ચોર વીસ પાળિયાં ઉપાડી ગયો છે એટલે ખાંડી જેટલું ઘી ખાશે તો આપણે શેર-અચ્છેર તો આપણા પેટમાં નાખીએ ! તે દી અમે વાઢીધારે ઘી રેડીને જે લાપસી ખાધી છે એનો સ્વાદ તો હજી લગણ દાઢ્યમાં રહી ગયો છે. એ પછી તો હજાર વાર લાપસી જમ્યા હોઈશું પણ તે દીના જેવી મીઠાશ ક્યાંય માણી નથી.’

ઉષાની રંગોળી
૨૫૩