મામાની આ ગર્જના સાંભળીને ચંપા એવી તો થરથરી ઊઠી કે કશું જ બોલી શકી નહીં. ભાણેજનું આ મૌન જ મનસુખભાઈ માટે વધારે ઉશ્કેરણીજનક બની રહ્યું.
‘તારાથી તો હવે અમે ગળા લગી ભરાઈ રહ્યાં છીએ.’ મામાએ પ્રકોપ ઠાલવ્યો. ‘તેં તો અમારી આબરૂના કાંકરા કરાવ્યા.’
‘તમારી આબરૂના કાંકરા હું શું કામ કરાવું ? મને તમારી આબરૂ વાલી નહીં હોય ?’ ચંપા હળવે સાદે બોલતી હતી. ‘તમારી ને મારી આબરૂ વળી જુદી છે કાંઈ ?’
‘પણ મારું નાક કપાઈ ગયું, એનું શું ?’
‘કેવી રીતે ?’ ચંપાથી પૂછતાં પુછાઈ ગયું.
‘કેવી રીતે ? હજી તારે વળી રીત જાણવાની બાકી રહી ગઈ છે ? મામાએ કહ્યું, ‘મુનસફના છોકરાને ના પાડીને તેં અમારું નાક કપાવ્યું.’
ચંપાના હોઠ ઉપર શબ્દો આવી ગયા: ‘નાક કપાઈ ગયું તો હવે નવે નાકે દિવાળી કરજો—’ પણ પ્રસંગની ગંભીરતા સમજીને એ મૂંગી જ રહી.
‘અમારે તો હવે તો હવે ડૂબી મરવા જેવો સમો આવી ગયો. મુનસફ જેવા મોટા અમલદાર આગળ ઊંચી આંખે ઊભવા જેવું તેં રહેવા ન દીધું.’ મનસુખભાઈ એકની એક વાત જુદી જુદી રીતે કહ્યા કરતા હતા: ‘તેં તો અમારી લાખ રૂપિયાની આબરૂ કોડીની કરી મેલી—’
‘પણ મામા, એમાં હું શું કરું ? મારો શું વાંક ?’
‘હજી મારે તને તારો વાંક સમજાવવો પડશે ? અરે, તું એમ તો વિચાર કર કે મુનસફ જેવા મોટા સાહેબનું ખોરડું રેઢું પડ્યું છે ? ને એ, મામૂલી માણસનું કહેણ કાને ધરેય ખરા ? આ મારી શાખ સાંભળીને એણે કોક સવળા શકનમાં હા પાડી, ને મુરતિયો વળી તને જોવા આવ્યો. ને વળી તારાં નસીબ સવળાં હશે ને મારી