લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હથેળીમાં જશ લખ્યો હશે તે છોકરાએ તને પાસ કરી પણ ત્યાં બેનબા પોતે જ ના કહીને ઊભાં રહ્યાં !’

‘ના ન કહું, તો બીજું શું કહું ?’

‘ના સંભળાવવા સારુ એને અહીં બોલાવ્યો હતો ? અમારું નાક વઢાવવા એને અહીં લાવ્યા હતા ?’

‘પણ આમાં મારો શું વાંક ?’

‘ના ના, વાંક તારો નહીં, અમારો જ. અમે જ મોટે ઉપાડે આ બધું ગોઠવેલું,’ કહીને મનસુખભાઈએ ફરી જીભના ચાબખા લગાવવા માંડ્યા. ‘તારાં ફૂટેલા નસીબમાં આવું મોભાવાળું ઘર ક્યાંથી હોય ! ગારાના દેવને તો કપાસિયાની જ આંખ શોભે. તારા નસીબમાં તો મુનસફનું ખોરડું નહીં, ઓલ્યા નરોત્તમ જેવા મુફલિસ જ હોય.’

‘મામા, બીજું બધુંય બોલજો, પણ એનું કાંઈ ઘસાતું ન બોલજો.’

‘કેમ ભલા ? નરોત્તમનું કાંઈ બહુ પેટમાં બળે છે ?’

‘હા.’

‘શું બોલી ?’

‘હા, હા…’

‘હજી ? બધું પતી ગયા પછીય ?’

‘હા,’ ચંપાએ હિંમતભેર કહી દીધું.

સાંભળી મનસુખલાલ ગમ ખાઈ ગયા. એમણે દેખાવે ડરપોક લાગતી ચંપા પાસેથી આવા મિજાજી ઉત્તરની અપેક્ષા નહોતી રાખી.

ચંપા લાગણીના આવેશમાં આ શબ્દો બોલતાં તો બોલી ગઈ પણ એને સમજાયું કે મેં ઉતાવળમાં બહુ સાહસ કરી નાખ્યું છે. આ દુઃસાહસના શિરપાવ તરીકે હમણાં જ મામા તરફથી મોટો તોપ-ધડાકો સંભળાશે એવો ભય એ અનુભવી રહી.

પણ એ ભય ખોટો ઠર્યો. મનસુખભાઈ એક અક્ષરેય બોલ્યા નહીં.

ચંપા આશ્ચર્ય અનુભવી રહી.

૨૫૮
વેળા વેળાની છાંયડી