લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દેખાવ કરીને એણે પૂછવા જેવું ને ન પૂછવા જેવું પણ ઘણું ઘણું પૂછી નાખ્યું. અને ધીરજે પણ ચંપા વિશેની રજેરજ વાત કહી નાખી.

‘આટઆટલા છોકરા બતાવ્યા એમાંથી એકેય એને મનમાં ન ગોઠ્યો. મુનસફના છોકરાની વાતમાં પણ ચોખ્ખી ના કહી દીધી, પછી બીજા કોઈનું તો પૂછવું જ શું ?

‘એનું કારણ શું ભલા ?’

‘કોણ જાણે ભાઈ !’ ધીરજે કહ્યું, ‘કોઈનું મન કેમ વાંચી શકાય ?―મનમનનાં કારણ !’

કીલાને લાગ્યું કે લાંબી મથામણને અંતે વાતચીતની ગાડી ધાર્યા પ્રમાણે પાટા ઉપર ચડી ખરી. હવે પોતાનો ધાર્યો લક્ષ્યવેધ કરવા એણે એ જ દિશામાં વાત ચાલુ રાખી અને એમાં ધીરજને મોઢેથી જ પ્રશ્ન પુછાવ્યો:

‘કીલાભાઈ, તે દિવસે સ્ટેશન ઉપરથી સામાન ઉપાડ માણસને તમે મોકલ્યો હતો ?’

‘હા, કાંઈ આછું આછું યાદ આવે છે ખરું.’

અંદરના ઓરડામાં લપાઈને ઊભેલી ચંપા આ સંવાદ સાંભળીને ચમકી ઊઠી, એણે વધારે ધ્યાનપૂર્વક ઓસરી તરફ કાન માંડ્યા.

‘એ માણસ કોણ હતો ? ખબર છે ?’ ધી૨જે વધારે પૃચ્છા કરી.

‘સ્ટેશન ઉપર તો હજાર માણસ આવે ને હજાર જાય. હું બધાંયની ખબર તો કેમ કરીને રાખું ?’

‘એનું નામઠામ કાંઈ જાણો છો ?’

‘હું તો માણસનો ચહેરોમહોરો જ યાદ રાખું. નામઠામ નહીં,’ કીલાએ કહ્યું, ‘નામ તો હું મારું પોતાનુંય હવે ભૂલી ગયો છું.’

‘એ માણસ હજી સ્ટેશન ઉપર છે ખરો ?’

‘સ્ટેશન ઉપર કોઈ માણસ કાયમ રહે ખરો ? એ તો ધરમશાળા જેવી જગ્યા ગણાય. ગાડીના ભારખાનાની જેમ માણસ આવે ને

૨૬૨
વેળા વેળાની છાંયડી