પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બેસણાંનો મોભો તો જાળવવો જોઈએ ને, મોટા !’

‘પણ તમે ઊઠીને શેઠ શેઠ કરો છો ત્યારે તો મુંઝાઈ મરું છું.’

‘એલા, તું તો હજી સાવ અણસમજુ જ રહ્યો ! આટલા દી આ કીલા જેવા કીલાનું પડખું સેવ્યું તોય તારામાં દુનિયાદારીની સમજ ન આવી ! મેં તને નહીં નહીં તોય હજાર વાર કીધું હશે કે ગરથ વિનાનો ગાંગલો ને ગરથે ગાંગજીભાઈ… આદિકાળથી આમ જ હાલતું આવ્યું છે. નાણાં વિનાના નર નિમાણા. આ કીલો પોતે કાલ સવારે પાંચ પૈસાનો પરચો બતાવે તો કીલાચંદ થઈ પડે ને મોટા ચમરબંધી પણ ભાઈ ભાઈ કરવા માંડે. સમજ્યા ને પરભુલાલ શેઠ ?’

‘જુવો, વળી પાછો મને શેઠ કીધો ને !’

‘એલા અડબંગ, દુનિયામાં માણસ શેઠાઈ મેળવવા મોટાં ફાંફાં મારે છે, તને શેઠાઈ સામે પગલે હાલીને આવી છે, એ તને ગમતી નથી ?’

‘મેં તો તમારી જેમ બહુ શેઠાઈ જોઈ છે. જાણી છે, ભોગવી છે. આપણને એની કાંઈ નવી નવાઈ થોડી છે ?’

‘એટલે તો હું સાચા માણસ સિવાય કોઈને શેઠ કહીને નથી બોલાવતો. મોટા માંધાતાનીય ઓશિયાળ નથી કરતો. સામો માણસ મરની લખપતિ હોય; એ એના ઘરનો. એ લખપતિ હોય તો કીલાનો મિજાજ કરોડપતિનો છે, એ તને નહીં ખબર હોય ?’

‘ખબર છે, સારી પટ ખબર છે,‘ નરોત્તમે ટકોર કરી.

‘તો ઠીક !’ કીલો બોલ્યો, ‘મેં પોતે શેઠાઈ છોડ્યા પછી આજ લગીમાં, ફક્ત બે જણાને શેઠ કહીને બોલાવ્યા છે —’

‘કોને કોને ?’

‘એક તો મંચેરશા ડમરીને… એનામાં મને સાચી અમીરાત દેખાણી—’

૨૬૬
વેળા વેળાની છાંયડી