લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કહ્યું, ‘તમે તો ભલભલાને ભૂ કરીને પી જાવ એવા છો. તમારા ગુરુ થાવાનું તો આ દુનિયામાં કોનું ગજું છે ?’

‘તો ઠીક !’ પોતાની શક્તિનો સ્વીકાર થતાં કીલાએ આત્મસંતોષ અનુભવ્યો. ‘તારા મનની વાત મેં કેવી રીતે જાણી લીધી ?’

‘જાણી જ લીધી છે તો, હવે વધુ જણાવો ! મારે જે પૂછવું છે, એનો વગર પૂછ્યે જ જવાબ આપો–’

‘હું જવાબ આપું ? મરી જાઉં તોય જવાબ ન આપું !’ ફરી કીલાનું મગજ ફટક્યું.

‘મારો કાંઈ વાંકગુનો થઈ ગયો છે ?’ નરોત્તમે હસતાં હસતાં પૂછ્યું.

‘વાંકગુનો ? મારો ગુરુ થાવા ગયો એ જ તારો વાંક. બીજું શું વળી ?’

‘તો એની માફી માગી લઉં’ નરોત્તમે અર્ધગંભીર અવાજે સૂચન કર્યું.

‘આ કીલા પાસે માફી કેવી ને બાફી કેવી વળી ?’

કીલાની આવી પ્રેમાળ, ક્રૂરતાનો નરોત્તમને આ અગાઉ ઠીક ઠીક અનુભવ થઈ ચૂક્યો હોવાથી એને ખાતરી હતી કે થોડીક પજવણીને અંતે એનું ગાડું પાછું પાટા ઉપર આવશે જ. પણ વાતચીત મૂળ પાટે ચડે એ પહેલાં તો બહારથી કોઈકનો અવાજ કાને પડ્યો:

‘સ્ટેશનવાળા કીલાભાઈ ક્યાં રહે છે ?’

સાંભળીને કીલાના કાન ચમક્યા.

‘આ… પણે—ઊંચા ઓટલાવાળી ઓરડીમાં—’

કોઈ પડોશીએ પૃચ્છકને માર્ગદર્શન કરાવ્યું એ સાંભળીને ખુદ કીલો બહાર ઓટલા ઉપર આવ્યો ને મોટેથી બોલી ઊઠ્યો:

‘ઓહોહો ! આવો, આવો. મનસુખભાઈ, આવો !’

નરોત્તમ તો આ નામ સાંભળીને જ ચોંકી ઉઠ્યો હતો. એ આ આગંતુકને ઉંબરામાં જોઈને ડઘાઈ ગયો.

ગમે ત્યાંથી ગોતી કાઢો !
૨૭૧