પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ન ઓળખાયા ? આ પરભુલાલ શેઠ !’

મનસુખલાલ ઝીણી નજરે નરોત્તમ તરફ તાકી રહ્યા.

કીલાએ નરોત્તમની વધારે ઓળખ આપી: ‘મંચેરશાની પેઢીમાં ભાગીદાર છે.’

‘ઓહોહો ! પરભુલાલ શેઠ !’ મનસુખલાલ ઉમળકાભેર નરોત્તમને ભેટી પડ્યા, ‘તમારું નામ તો સાંભળ્યું હતું. આજે અહીં મળી ગયા તેથી બહુ આનંદ થયો—’

‘મેં પણ આપનું નામ તો બહુ સાંભળેલું.’ નરોત્તમે મનસુખભાઈની આખી ઉક્તિનું પુનરુચ્ચારણ કર્યું. ‘આજે અહીં મળી ગયા તેથી બહુ આનંદ થયો—’

કીલો આ બંને મુલાકાતીઓને મૂંગો મૂંગો અવલોકી રહ્યો.

‘તમે તો આ મોસમમાં બહુ માલ સંઘરવા માંડ્યો છે, પરભુલાલ શેઠ !’ મનસુખભાઈ બોલ્યા.

‘અમારા ગજાના પ્રમાણમાં કામ કરીએ છીએ. તમારી વિલાયતી પેઢીની તોલે તો તો અમે ક્યાંથી આવીએ !’ નરોત્તમે કહ્યું.

કીલાએ એમાં સૂર પુરાવ્યો: ‘આ તો પેઢીય નવી છે, ને પરભુલાલ શેઠ પણ નવાસવા છે. છોકરાએ છાશ પીવા જેવું કર્યું છે, પણ ધીમે ધીમે શીખશે.’

‘એ તો કામ કામને શીખવે,’ મનસુખભાઈએ મુરબ્બીવટથી ટાહ્યલું ઉચ્ચાર્યું.

નરોત્તમ અને કીલો એકબીજા સામે આંખ માંડીને મૂંગી ગોષ્ઠી કરી રહ્યા. નરોત્તમ જાણે ફરિયાદ કરતો હતો: ‘હું તો અહીં ભેખડે ભરાઈ ગયો.’ કીલો જાણે કે જવાબ આપતો હતો: ‘જોયા કર મોટા, મૂંગો મૂંગો જોયા કર.’

આવું મૌન મનસુખભાઈને કદાચ અપમાનજનક લાગશે એવો ખ્યાલ આવતાં આખરે કીલાએ બોલવાની શરૂઆત કરી:

ગમે ત્યાંથી ગોતી કાઢો !
૨૭૩