૨૮
‘એલાવ એય ટાબરિયાંવ ! કોની રજાથી સ્ટેશનમાં પગ મેલ્યો ?… મારા હાળાવ, કોથળા ફાડી ફાડીને મગફળી ખાવ છો ?… તમારા બાપનો માલ સમજી ગયાં છો ?… માળાં ભૂખાળવાં, ઘરમાં તમારી માયું રોટલા ઘડીને ખવરાવે છે કે એમ ને એમ તગડી મેલે છે ?… કઈ સાલમાં જનમ્યાં છો ? છપ્પનિયામાં જ… નીકર પારકી મગફળી ફોલી ફોલીને પેટ ભરવાનું ક્યાંથી સુઝે ? ભાગો ઝટ. નીકર બરકું છું… આ આવડા દોથા ભર્યા છે તે મામાના ઘરનો માલ છે ?… કરો ગૂંજાં ખાલી, માળાં ચોરટાવ !…
સ્ટેશનના નિર્જન પ્લૅટફૉર્મ ઉપર કીલો સાર્વભૌમત્વ ભોગવતા શહેનશાહની અદાથી લટાર મારતો હતો. પોતે ‘વૉચ ઍન્ડ વૉર્ડ’ ખાતાના અધિકારી હોય એવી ઢબે આ છેડાથી પેલા છેડા સુધી મારીને સ્ટેશન પરની સ્થાવર-જંગમ મિલકતની રક્ષા કરતો હતો.
સાઈડિંગમાં પડેલ વેગનમાંથી મગફળી ફોલતાં છોકરાંઓને ટપાર્યા પછી એણે બીજી દિશામાં પડકાર શરૂ કર્યો.
‘એલી એય, માતાજી ! તારો કોઈ ધણીધોરી છે કે પછી તુંય મારા જેવી જ છો ?… ઘરબાર છે કે પછી જે સીતારામ ?… આ સ્ટેશનને શું મહાજનવાડો સમજી ગઈ છો ? આ લીલો રજકો સંધોય તારે સારુ આવે છે, એમ કે ! આ પાંજરાપોળ નથી. સ્ટેશન છે, સ્ટૅશન, સમજી ! ભલી થઈને તારે ખીલે હાલી જા, નીકર ડબા ભેગી કરવી પડશે.’
ગવતરી જેવા મૂંગા પ્રાણી સાથે પણ કીલો આવી સ્વગતોક્તિ જેવા સંવાદો ચલાવતો હતો.