લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉપયોગી થઈ પડ્યું. અનાથાશ્રમ, ખોડાં ઢોરની પાંજરાપોળ, છાસની પરબ વગેરે પ્રવૃત્તિઓ માટે ઉઘરાણું કરવા હાથમાં ટચૂકડી પેટીઓ ફેરવનાર માણસોને આજે અનિચ્છનીય વ્યક્તિઓ ગણીને હાંકી કાઢવામાં આવ્યા. કીલાએ માત્ર બે જ જણને બચાવ્યા: દાવલશા ફકી૨ને અને ભગલા ગાંડાને, આ માણસો ઉપર પણ ધોકાપંથી પોલીસ પોતાનો દંડો ઉગામવા જતી હતી, પણ કીલાએ વચ્ચે પડીને કહ્યું, ‘રહેવા દિયો, આ તો આપણા ઘરના માણસ છે.’

લાટસાહેબની પધરામણી થતી હોવાને કારણે આજે સ્ટેશનનું વાતાવરણ એવું તો ભારછલ્લું બની ગયું હતું કે ‘વન-ડાઉન’માં જવા માટે જે છડિયાં આવતાં હતાં એય આટલી બધી પોલીસની હરફર જોઈને હેબતાઈ જતાં હતાં. ટિકિટબારી ઉપ૨ પણ બિહામણા સિપાઈઓની હાજરી જોઈને ઉતારુઓ બીતાં બીતાં ટિકિટ કપાવતાં હતાં અને પછી છાનામાના ખૂણેખાંચરે લપાઈ જતા હતા.

ટ્રેનને આગલા સ્ટેશન પર લાઇન મળી કે તુરત કીલાએ પોતાની રેંકડી પરથી શણિયું સંકેલ્યું અને પ્લૅટફૉર્મ પર લલકાર કરવા

‘એ… આ મહુવાનાં રંગીન રમકડાં—’

‘એ… આ ઘૂઘરો ને ઘંટી-ઘોડાં—’

‘એ મોરલો ને પોપટલાકડી—’

‘એ… બબલો ૨મે ને બબલાનો બાપ પણ રમે–’

રમકડાંની જાહેરાત સાથે આવી આવી મર્મોક્તિઓ ઉચ્ચારતો કીલો પ્લૅટફૉર્મ પર રેંકડી ફેરવતો હતો ત્યાં જ એકાએક એની આંખ તેમજ રેંકડી બંને થંભી ગયાં.

દરવાજામાંથી મનસુખભાઈ, એમનાં પત્ની ધી૨જ અને એમની પાછળ એક યુવતી સંકોચાતી શરમાતી આવતી હતી.

‘કેમ છો, કીલાભાઈ ?’ રેંકડી સાથે ઊભેલા કીલાને જોઈને મનસુખભાઈ પોકારી ઊઠ્યા.

૨૮૦
વેળા વેળાની છાંયડી