લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નહોતો. એને તો હિંમત કરીને, કીલાને પૂછી નાખવાનું મન થતું હતું: ‘બોલો, કહી દિયો, ક્યાં છે તમે મોકલેલો મજૂર? એ ક્યાં રહે છે? શું કરે છે? મને યાદ કરે છે કે નહીં? એને કહી દેજો કે હું એક વાર એમને વરી ચૂકી છું, એમાં મીનમેખ નહીં થાય હવે.’

પણ આ મૂક સંદેશને વાચા મળી શકે એ પહેલાં તો ‘વન-ડાઉન’ મેલ ફૂંફાડા નાખતો આવી પહોંચ્યો અને મનસુખભાઈ ‘હાલો, આગળ હાલો, આખું ખાનું ખાલી છે,’ ક૨તાકને ધીરજને અને ચંપાને ઢસરડી ગયા.

શણગારેલા શહેનશાહી સલૂનના એક દરવાજામાંથી ગોરાસાહેબ ઊતર્યા, ને બીજા દરવાજામાંથી સાત ફૂટ લાંબા મૃત વનરાજને ઉતારવામાં આવ્યો, હિંદના વડા હાકેમના આ એજન્ટને ઉમળકાભર્યો આવકાર મળ્યો. રાજવીઓ અને કારભારીઓ કમ્મરને કાટખૂણેથી ઝુકાવીને, લળી લળીને કુરનિસ બજાવી રહ્યા.

ગોરા અધિકારીની માંસલ ગરદન ફૂલહાર તળે દબાઈ ગઈ. એથીય વધારે ફૂલહાર અને કલગીતોરા તો મૃત વનરાજને મળ્યા.

સાહેબની પાછળ એમનાં મેમસાહેબ ઊતર્યાં અને એમની પાછળ એક કિશોરને લઈને આયા ઊતરી.

મામાની સાથે ડબ્બામાં ગોઠવાઈ ગયેલી ચંપા વિચારતી હતી: કીલાભાઈએ આ બધી રમત શું કામે કરી હશે? મારું મન માપી જોવા? મારું પોતાનું પારખું કરવા? ગમે એમ હોય. પારખામાં હું બરોબર પાર ઊતરી છું. એણે ભલે કસોટી કરી જોઈ. આ સોનું એમાં સો ટચથી ઓછું નહીં ઊતરે.

પ્લૅટફૉર્મ ૫૨ મેમસાહેબ સાથે કિશોરને લઈને આયા ઊતરી ત્યારે કીલો એક હાથમાં ઘૂઘરો ખખડાવતો, બીજે હાથે રેંકડી ઠેલતો અને મોઢેથી કર્કશ અવાજે રમકડાંની જાહેરાત કરતો પસાર થતો હતો. એમાંના એક પચરંગી રમકડા તરફ કિશોરે આંગળી ચીંધી એટલે કીલો ઊભો રહી ગયો.

૨૮૬
વેળા વેળાની છાંયડી