૨૯
સ્ટેશન ઉપર આસમાની સુલતાની જેવો અણધાર્યો બનાવ બની ગયો. હિદના વડા હાકેમના એજન્ટે રમકડાંની રેંકડીવાળા સાથે વાતચીત કરી! ઘણા લોકોને તો, સગી આંખે આ દૃશ્ય જોયું હોવા છતાં સાચું લાગતું નહોતું.
‘આવડો મોટો લાટસાહેબ ઊઠીને કીલા જેવા મુફલિસ માણસ સાથે વાત કરે ?’
‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી આ ઘટના અંગે સહુ પોતપોતાના મનફાવતાં અનુમાનો કરતા હતા:
‘એ તો ગોરાસાહેબને આ મહુવાનાં રમકડાંની કારીગરી ગમી એટલે રેંકડી પાસે ઊભીને કાંઈક પૂછગાછ કરી હશે—’
‘ના રે ના. વિલાયતનાં રમકડાં પાસે આ આપણાં કાઠિયાવાડી ના વિસાતમાં… કારણ કાંઈક બીજું જ હશે.’
‘અરે કીલાને હજી તમે ઓળખતા નથી. કાંઈક બખડજંતર કર્યું હશે ને વાંકમાં આવ્યો હશે એટલે ગોરાસાહેબે ઠપકો આપ્યો હશે.’
‘કીલો છે તો અકડલકડિયો, પણ કાંઈક વાંકમાં આવી ગયો હશે.’
‘અરે ભલો હશે તો રેલખાતાની રજાચિઠ્ઠી કઢાવ્યા વિના જ સ્ટેશન ઉપર રેંકડી ફેરવતો હશે એટલે ઠેઠ એજન્સી સુધી એના રિપોર્ટ થયા હશે.’
લોકોએ તર્કવિતર્ક કરવામાં કશું જ બાકી ન રાખ્યું. અને નવરા માણસોના કુતૂહલને વધારે ઉત્તેજે એવી ઘટના તો એ બની કે પોલિટિકલ એજન્ટ કીલા સાથે વાતચીત કરી ગયા અને બીજે જ