પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દિવસથી કીલો દેખાતો બંધ થઈ ગયો. એની રેંકડી તો રાબેતા મુજબ દાવલશા ફકીર અને ભગલા ગાંડાના સંયુક્ત કબજામાં જ રહી, પણ રેંકડી પર કીલાએ ઢાંકેલું શણિયું આ બેમાંથી એકેય સાથીદારે પાછું સંકેલ્યું જ નહીં. રમકડાં ખરીદવા માટે કોઈ ગ્રાહક આવી ચડે તોપણ ચરસ ફૂંકતો ફકીર આ પારકી થાપણને અડકવાની જ ના પાડતો. ‘કીલાભાઈ કો આને દો માલ ઉસકા હૈ, હમેરા નહીં,’ એ એક જ જવાબ આપતો. સામો પૂછે, ‘પણ કીલો ક્યાં છે?’ ત્યારે ફકીર અફીણના ઘેનમાં અજબ લાપરવાહીથી ઉત્તર આપતો: ‘ખુદા કુ માલૂમ!’

ઓલિયા ફકીરનો આવો મભમ જવાબ સાંભળીને પૃચ્છકોનું કુતૂહલ શમવાને બદલે બમણું ઉશ્કેરાતું.

લોકોની શંકાઓ વધારે ઘેરી તો એ કારણે બની કે કે ઓરડી ઉપર પણ દેખાતો નહોતો. આઠેય પહોર ઉઘાડી રહેતી ઓરડી પર એનો માલિક ઉપરાઉપર બે દિવસ સુધી ફરક્યો નહીં ત્યારે પડોશીઓએ પોતાનો પડોશીધર્મ બજાવીને ઓરડીની સાંકળ વાસી દીધી.

‘ગોરા સાહેબે કીલાને કોઠીની કચેરીએ હાજર થવાનો હુકમ કર્યો તો ખરો… રેંકડીની પડખે ઊભેલા પોલીસે કાનોકાન સાંભળ્યું’તું.’

જાણભેદુઓ કલ્પનાની સહાયથી કીલાનું પગેરું કાઢવા મથતા હતા.

‘કોઠીમાં ગયો તે કોઠીમાં જ રહી ગયો કે શું?’

‘કે પછી એજન્ટ સાહેબે હાથકડી પહેરાવીને હેડ્યમાં ઘાલી દીધો?’

‘કે પછી કાળે પાણીએ ધકેલી દીધો?’

‘ભલું પૂછવું કીલાનું, કાંઈક કાળાંધોળાં કર્યાં હશે તે ભોગવવાં પડશે—’

આવા શંકાઘેરા વાતાવરણમાં જ ચંપાને મેંગણી મૂકી આવીને પાછા ફરેલા મનસુખભાઈએ કીલાની તલાશમાં સવારસાંજ સ્ટેશન

૨૯૦
વેળા વેળાની છાંયડી