પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉપર અને સ્ટેશનથી કીલાની ઓરડી સુધી ધક્કા ખાવા શરૂ કર્યા. કીલાના પરિચિતો એમ સમજ્યા કે મનસુખભાઈ જેવા મોટા શેઠ રોજ ધક્કા ખાય છે. તે કીલા પાસેથી કશુંક વસૂલ કરવા આવતા લાગે છે. જરૂર કીલાએ કાંઈક કબાડું કર્યું છે. કોઈકની માલમિલકત ઓળવી છે; ક્યાંક હડફો ફાડ્યો છે, અથવા હાથફેરો કર્યો છે. નહીંતર ઘરબાર, રેંકડી બધું રેઢું મેલીને એકાએક પોબારા ગણી જાય ખરો?

મનસુખભાઈને તો કીલાને મળવાની એવી ચટપટી લાગી કે સવારસાંજ ઉપરાંત બપોર ટાણે પણ કીલાની ઓરડીએ આંટાફેરો કરવા માંડ્યા. પડોશીઓ તે હરેક વખતે એક જ જવાબ આપી દેતા: ‘કીલાભાઈ હજી ફરક્યા જ નથી, કે નથી કોઈ વાવડ!’ મનસુખભાઈની વિદાય પછી, પાછળથી સહુ ભય અનુભવતા: ‘સાચે જ કીલાએ કાંઈક ગોરખધંધા કર્યા લાગે છે! નહીંતર, આવડા મોટા શેઠિયા આમ દિવસમાં ત્રણ-ત્રણ ફેરી આંટા ખાય ખરા?’

બરોબર આઠ દિવસ સુધી આવી અફવાઓ વહેતી રહી. આખા રાજકોટમાં જાણ થઈ ગઈ કે સ્ટેશન પરથી કાંગસીવાળો ક્યાંક ભાગી ગયો છે.

ગામ આખામાં નરોત્તમ સિવાય બીજા કોઈને કીલા વિશે કશી માહિતી નહોતી.

બરાબર નવમે નવમે દિવસે શહેરમાં તોપના ધડાકા જેવા સમાચાર ફૂટ્યા:

‘પોલિટિકલ એજન્ટ ના શિરસ્તેદારને હોદ્દે કીલાચંદ હેમતરામ કામદારની નિમણૂક થઈ છે.’

શહેરીઓને સહેલાઈ ગળે ન ઊતરે એવા આ સમાચાર હતા.

‘એલા, આ કયા કીલાની વાત છે? ઓલ્યો કાંગસીવાળો જ કે બીજો કોઈ?’

‘એ જ, એ જ રમકડાની રેંકડી ફેરવે છે, એ જ કીલો.’

પ્રારબ્ધનો પરિહાસ
૨૯૧