‘પણ એની શાખ તો કાંગસીવાળો છે ને! આ કામદાર કે’દીનો થઈ ગયો? વળી બાપનું નામ હેમતરામ ક્યાંથી નીકળ્યું?’
‘તુરત ગામનાં ડોસાંડગરાઓએ યાદદાસ્ત ખંખોળી ખંખોળીને સંશોધન શરૂ કરી દીધું અને જોતજોતામાં તો આ સમાચારનો તાળો મેળવી કાઢ્યો:
‘હા, હવે યાદ આવ્યું! હેમતરામ કામદાર કરીને સીતાપુર સ્ટેટના આજમ દીવાન હતા ખરા!… કાઠિયાવાડમાંથી એ પહેલવહેલા વિલાયત જઈને બૅરિસ્ટર થઈ આવેલા. એમણે એક તો સમુદ્રોલ્લંઘન કરીને મહાપાતક વહોરેલું, એટલું જ નહીં, મ્લેચ્છો સાથે માંસ-મદિરા ખાઈને કાયા ભ્રષ્ટ કરી આવેલા એવી શંકા પરથી આરંભમાં તેઓ નાત બહાર મુકાયેલા અને સમાજમાં બહિષ્કૃત બનેલા. પણ પછીથી, આ બહિષ્કૃત માણસ દીવાનપદે પહોંચવાથી, આપમેળે એને સમાજની સ્વીકૃતિ મળી ગયેલી. એકમાત્ર સીતાપુરના મહારાજ આ ધર્મભ્રષ્ટ કારભારીનો સ્પર્શ થયા પછી છૂપી રીતે ગંગાજળનું આચમન લઈને પોતાની દેહશુદ્ધિ કરી લેતા. સીતાપુરના લોકો હજી પણ યાદ કરે છે કે હેમતરામભાઈના ઘરમાં કેડ કેડ સમાણા ઊંચા ચૂલા હતા. બૈરાંઓ ઊભાં ઊભાં રસોઈ કરતાં, ટેબલખુરશી પર કાચનાં ઠામમાં જમતાં અને હાથે કોળિયો ભરવાને છરીકાંટા વાપરતાં. મહારાજાનો બાળ પાટવી, રાજ્યના દીવાનનો દીકરો મંચેરશા અને પ્રાઇવેટ સેક્રેટરીનો પુત્ર કીલો એ ત્રણેય બાળગોઠિયા રજવાડી બગીમાં ભેગા ફરવા નીકળતા.
હા, રાજકોટવાસીઓને હવે જ યાદ આવ્યું કે સીતાપુર સ્ટેટની ગાદીના વારસા વિશેનો બહુ ગવાયેલો મુકદ્દમો લડવા બૅરિસ્ટર કામદાર રાજકોટમાં આવતા ખરા. કિશોર વયનો કીલો પણ સાથે કોઈ કોઈ વાર આવતો. એ વેળા કાઠિયાવાડમાં વિલાયત જઈ આવેલ આ એકમાત્ર ‘દેશી’ માણસ સાથે પોલિટિકલ એજન્ટને