લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સુખસાહ્યબીની છોળો ઊડતી હતી એ ગૃહિણીને, મબલખ માલમિલકત અને ઘરવખરી સુધ્ધાં પર સરકારી સીલ લાગી ગયાં પછી જે દિવસો જોવા પડ્યા એ કોઈ પણ ગૃહિણીનું હૃદય ભાંગી નાખવાને બસ હતા. પત્નીને પતિવિયોગની કળ કદી વળી જ નહીં. કુટુંબ પર આવી પડેલ કલંકમય આપત્તિનું દુઃખ કણસતાં કણસતાં જ તેઓ મરી પરવાર્યાં.

યુવાવસ્થામાં પ્રવેશેલા કીલાને તો ત્રેવડો વજ્રાઘાત લાગ્યો. ક્ષયરોગની મરણપથારીમાંથી એ દૈવકૃપાએ ઊભો થયેલો ત્યારે મૃત્યુની ચોટ તો અનુભવી જ ચૂક્યો હતો. એમાં વૈવાહિક જીવનનો આઘાત ભળ્યો. સહુને ખાતરી હતી કે ક્ષય જેવા જીવલેણ રોગમાંથી આ યુવાન ઊગરશે નહીં, એ ગણતરીએ તો એની વાગ્દત્તાનું વેવિશાળ બીજે સ્થળે કરાયેલું પણ જાણે કે પ્રારબ્ધનો પરિહાસ કરવા જ કીલો મંદવાડમાંથી સાજો થઈને ઊઠ્યો. એની જિજીવિષા જોઈને સગાંસ્નેહીઓને પણ કૌતક થયું. પણ રાજરોગમાથી ઊગરી ગયેલો એ યુવાન, અગાઉનો આશાભર્યો, ઉમંગભર્યો, જીવનરસથી છલોછલ એવો કોડીલો ને કોડામણો કીલો નહોતો રહ્યો. એ તો હતું પૂર્વાશ્રમના કીલાનું હાલતુંચાલતું પ્રેત માત્ર. અને જ્યારે એને જણાવવામાં આવ્યું કે એની વાગ્દત્તા મીઠીબાઈના જીવનમાં ભયંકર કરુણતા સરજાઈ ગઈ છે. ત્યારે આ યુવાનના દિલમાં તેમજ દિમાગમાં નિતાંત નિર્વેદ છવાઈ ગયો.

અને એ નિર્વેદમાં ઉમેરો કરનારી કૌટુંબિક આપત્તિ આવી પડી. નરશાર્દૂલ સમા પિતાનું જે નામોશીભર્યા સંજોગોમાં મૃત્યુ થયું, એ સંજોગોએ કીલાના ચિત્તતંત્ર ઉપર બીજી ચોટ મારી. અને એમાંથી હજી તો પૂરી કળ વળે એ પહેલાં જ તેની વહાલસોયી માતાએ આ દુનિયામાંથી વિદાય લીધી.

આટલી આપત્તિઓ કોઈ પણ વિચારશીલ માણસના હૃદયમાં

૨૯૪
વેળા વેળાની છાંયડી