લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંઘર્ષ જન્માવવા માટે પૂરતી હતી. યુવાન કીલાના હૃદયમાં પણ પશ્ન ફૂંફાડી ઊઠ્યો: માણસ ઉપર આટલાં દુઃખો શા માટે?…

અને એ પ્રશ્નનો ઉત્તર મેળવવા એ ચાલી નીકળ્યો.

અજ્ઞાતવાસનાં પૂરાં પાંચ વરસ આ યુવાને ક્યાં અને કેવી રીતે ગાળ્યાં, એ તો કીલાનાં સગાંસ્નેહીઓ પણ કશું જાણી શકેલાં નહીં. કર્ણોપકર્ણ વાતો આવતી: કીલો બાવો થઈ ગયો છે ને ગિરનારમાં કોઈ યોગી સાથે રહે છે. એણે તો જૈન સાધુ પાસેથી દીક્ષા અંગીકાર કરી છે અને પાવાપુરી તરફ વિહાર કરે છે, ના, ના એ તો પરિવ્રાજક થઈને હિમાલય તરફ નીકળી ગયો છે, ના રે ના, એણે તો દીક્ષાય નથી લીધી ને યોગી પણ નથી થયો, એ તો, પેટનો ખાડો પૂરવા અજાણ્યાં ગામડાંમાં ભીખ માગતો ભટકે છે… કોઈએ તો એટલે સુધી જાહેરાત કરી દીધી કે કીલો તો ક્યારનો મણિકર્ણિકાના ઘાટ ઉપર મરી પરવાર્યો છે.

આમાંની આ છેલ્લી જાહેરાતનો જાણે કે જવાબ આપવા જ કીલો એક સવારના પહોરમાં રાજકોટની શેરીમાં મોટે સાદે બોલતો બોલતો નીકળી પડ્યો: લ્યો, આ માથાં ઓળવાની વિલાયતી કાંગસી!… માથામાંથી જૂ, લીખ, ખોડો, સંધુય ખંખેરી કાઢે એવી આ નવતર કાંગસી!’

અને, બહુ લાંબી વાતો, બહુ લાંબા સમય સુધી યાદ ન રાખવાને ટેવાયેલી લોકસ્મૃતિ કીલાની મૂળ અટક ‘કામદાર’ને સગવડપૂર્વક ભૂલી ગઈ અને એને ‘કીલો કાંગસીવાળો’ તરીકે પ્રસ્થાપિત કરી દીધો.

અને આજે એ લોકોનો લાડીલો કાંગસીવાળો – શહેરનાં આબાલવૃદ્ધ સહુ જેને તુંકારે સંબોધતાં એ, રમકડાંની રેંકડી ફેરવીને પેટિયું રળનારો માણસ—વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીમાં શિરસ્તેદારના આદરણીય હોદ્દા પર સ્થાપિત થયો હતો.

આ સમાચાર સાંભળીને આરંભમાં તો લોકોએ આઘાત અનુભવ્યો.

પ્રારબ્ધનો પરિહાસ
૨૯૫