પણ તુરત, જે તે પરિસ્થિતિને અનુકળ થવાને ટેવાયેલા લોકમાનસે આ નિમણૂકને વાજબી ઠરાવતાં કારણો પણ આપમેળે જ શોધી-ઉપજાવી કાઢ્યાં:
‘અરે ભાઈ, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ! હમણાં ભલે કીલો રખડતો રઝળતો થઈ ગયેલો, પણ અંતે ફરજંદ કોનું? — હેમતરામ કામદારનું !’
‘બાપની હોશિયારી દીકરામાં આવ્યા વિના રહે? અંતે કદર થઈ ખરી!’
‘પણ કૌતુક તો જુવો, કે આપણે સહુએ તો બિચારાને કાંગસીવાળો, કાંગસીવાળો કરીને સાવ કાંકરો જ કાઢી નાખ્યો’તો એમાં આ પારકા પરદેશના ગોરા સાહેબે એનું પાણી પારખ્યું!’
‘લાટસાહેબ પણ સંબંધનો સાચવવાવાળો નીકળ્યો! હેમતરામ હારેનો જૂનો નાતો ભૂલ્યો નહીં. પોતાના દોસ્તારના દીકરાનો હાથ ઝાલ્યો ખરો!’
નવા શિરસ્તેદારની નિમણૂક થયાના સમાચાર સાંભળતાં જ રાજા-રજવાડાં તો આ નવા અમલદારને ખુશાલી પાઠવવા ભેટસોગાદો લઈ લઈને દોડી ગયાં. ઓળખાણને કલ્પવૃક્ષ સમી સમૃદ્ધિની ખાણ સમજનાર વ્યવહારડાહ્યા લોકો પણ ખુશાલી વ્યક્ત કરવાને બહાને સાકરના પડા લઈ લઈને કોઠીમાં કીલાને મળવા દોડી ગયા. દુનિયાદારીને ઘોળીને પી ગયેલો, ફરતલ ને જાણતર કીલો બધી મતલબી લીલાને એક મર્મજ્ઞની દૃષ્ટિથી અવલોકી રહ્યો. પોતાના હોદ્દાનો મોભો સમજીને એ મોઢા ઉપર મહાપરાણે ભાર રાખી રહ્યો હતો, પણ મનમાં તો સંસારની આ સ્વાર્થલીલા પર દાર્શનિકની અદાથી હસતો જતો હતો. એને નવાઈ તો એ લાગતી હતી કે આજે ‘આપણે તો એક જ કુટુંબનાં,’ ‘સાવ નજીકનું સગપણ,’ ‘એક જ ગોતરિયાં’ વગેરે સંબંધોનો દાવો કરનાર આટલાં બધાં સગાંઓ એકાએક ક્યાંથી ફૂટી નીકળ્યાં? આટલા દિવસ આ