લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સહુ સગાં ને સંબંધીઓ ક્યાં સંતાઈ ગયાં હતાં? નાનપણમાં પિતા સાથે અમલદારીનો દોરદમામ નજરે જોઈ ચૂકેલો કીલો આ બધી ખુશામતભરી ખુશાલીઓથી અંજાઈ જાય એમ નહોતો. હેમતરામ કામદારની હયાતી દરમિયાન રજવાડાંના ખૂની ભપકા તો એણે આંખ ભરીને નિહાળ્યા હતા. તેથી જ તો, લોટસાહેબના અતિઆગ્રહને થઈને શિરસ્તેદારના હોદ્દા પર આરૂઢ થયેલો કીલો બેચાર દિવસમાં જ એવો તો અકળાઈ ઊઠ્યો કે ખુશામત ને સિફારસના ગૂંગળાવનારા વાતાવરણમાંથી ઘડીભર મોકળાશ મેળવવા એ સાંજને સમયે સીધો પોતાના બાલમિત્ર મંચેરશાને મળવા દોડી ગયો.

કીલો જ્યારે મંચેરશાની પેઢી ઉપર પહોંચ્યો ત્યારે મંચેરશા પોતે અંદરના ઓરડામાં પરદેશોની ટપાલ તૈયાર કરવામાં રોકાયા હતા.આગળના ઓરડામાં નરોત્તમ સ્થાનિક ખરીદીઓના હિસાબ તૈયાર કરતો હતો.

કીલાને પેઢીનાં પેઢીનાં પગથિયાં ચડતો જોઈને જ નરોત્તમે એને ઉમળકાભેર આવકાર આપ્યો: ‘પધારો, પધારો, શિરસ્તેદાર સાહેબ, પધારો!’

‘અલ્યા, ગામ આખું તો ઠીક, પણ તું પોતેય મારી ઠેકડી કરીશ?’ કીલાએ કહ્યું.

‘એમાં ઠેકડી શાની? મોટા અમલદારને તો સાહેબ કહીને જ બોલાવાય ને?’

‘અલ્યા, પણ આપણે બેય તો નાનામોટા ભાઈ ગણાઈએ. તું ઊઠીને મને સાહેબ કહે એ શોભે?’

‘પણ તમે ઊઠીને મને પરભુલાલ શેઠ કહો એ શોભતું હોય તો શિરસ્તેદાર સાહેબ કહું એ શા માટે ન શોભે?’

નરોત્તમ અને કીલો બંને ખડખડાટ હસી પડ્યા.

પ્રારબ્ધનો પરિહાસ
૨૯૭